Thu Jun 11 2026

Logo

બિહાર વિધાન પરિષદ ચૂંટણીઃ પવન સિંહ અને નિશાંત કુમાર સહિત તમામ 10 ઉમેદવાર બિનહરીફ વિજેતા

2026-06-11 17:22:59
Author: Vimal Prajapati
Article Image

NDAનો દબદબો: ભાજપ અને જેડીયુને 4-4 બેઠકો મળી, આરજેડીના ફાળે માત્ર 1 બેઠક

પટનાઃ બિહારના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહાર વિધાન પરિષદ (MLC)ની પેટાચૂંટણી સહિત તમામ 10  બેઠક પરના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. ફોર્મ પર ખેંચવાની છેલ્લી મુદત પૂરી થતાં જ તમામ 10 ઉમેદવારને બિનહરીફ (Unopposed) વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

આ ચૂંટણી પરિણામોમાં સત્તાધારી પક્ષ NDAનો દબદબો જોવા મળ્યો છે. કુલ 10 બેઠકોમાંથી 9 બેઠકો પર એનડીએ અને માત્ર 1 બેઠક પર મુખ્ય વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર ચૂંટાયા છે. વિજેતાઓમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું છે.

પવન સિંહ અને નિશાંત કુમારની એન્ટ્રી

ગુરુવારે નામ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સમય મર્યાદા સમાપ્ત થતાં જ ચૂંટણી પંચ દ્વારા તમામ ઉમેદવારોને વિજયી જાહેર કરાયા હતા. જનતા દળ યુનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સીએમ નીતીશ કુમારના પુત્ર તેમ જ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન નિશાંત કુમાર હવે સત્તાવાર રીતે MLC બન્યા છે. બીજી તરફ, લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ ભાજપે ભોજપુરી 'પાવર સ્ટાર' પવન સિંહને ઉચ્ચ સદનમાં મોકલીને મોટો રાજકીય દાવ ખેલ્યો છે.

પક્ષ પ્રણાણે બેઠકોનું ગણિત

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમની વાત કરવામાં આવે તો, ભાજપને 04 બેઠકો, જેડીયુ (JDU)ને 04 બેઠકો, એલજેપી-રામવિલાસ (LJP-R)ને એક બેઠક અને આરજેડી (RJD)ને 01 બેઠક મળી છે. 

ભાજપ તરફથી સામાન્ય ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારો વિધાન પરિષદમાં પહોંચ્યા છે. જેમાં સૌથી મોટું નામ જાણીતા ભોજપુરી અભિનેતા પવન સિંહનું છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા સંજય પ્રકાશ મયૂખ, અનિલ ઠાકુર અને શીલા પંડિત પણ સામાન્ય ચૂંટણી બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 

જનતા દળ યુનાઇટેડ (JDU) તરફથી પણ કુલ 4 ઉમેદવારો વિજયી બન્યા છે. સામાન્ય ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર અને રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન નિશાંત કુમાર, ભારતી મહેતા અને શિવની દેવી પ્રજાપતિ ચૂંટાયા છે. જ્યારે નીતીશ કુમારે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીમાં જેડીયુના લલન પ્રસાદ બિનહરીફ વિજેતા બન્યા છે.

અન્ય પક્ષોના વિજેતા ઉમેદવારોની વાત કરવામાં આવે તો, એનડીએ (NDA) ગઠબંધનમાં સામેલ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) તરફથી સામાન્ય ચૂંટણી બેઠક પર અશરફ અન્સારી વિજયી બન્યા છે. જ્યારે વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) તરફથી મહાગઠબંધનના એકમાત્ર ઉમેદવાર સુનીલ સિંહ સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈને વિધાન પરિષદના સભ્ય બન્યા છે. 

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વચ્ચે રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશને મોટો ઝટકો લાગ્યો છે. દીપક પ્રકાશ હાલમાં સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી બિહાર સરકારમાં પંચાયતી રાજ્ય પ્રધાન છે. નિયમ મુજબ પ્રધાન બન્યાના 6 મહિનામાં ધારાસભ્ય અથવા વિધાન પરિષદના સભ્ય (MLC) બનવું અનિવાર્ય છે, જેથી હવે દીપક પ્રકાશને નવેમ્બરમાં છ મહિના પૂર્ણ થતા પદ છોડવું પડશે.