ભુજઃ માધાપરમાં તાન્ઝાનિયાથી ભાણેજીના લગ્ન પ્રસંગે વતન આવેલા એક બિનનિવાસી ભારતીય યુવક સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. અજાણ્યા સાયબર ગઠિયાએ સસ્તી એર ટિકિટ, ડિસ્કાઉન્ટ અને ગિફ્ટની લાલચ આપી યુવકના બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.૧.૯૩ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનારના બહેને માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, મૂળ માધાપરના અને છેલ્લા ૧૮ વર્ષથી તાન્ઝાનિયામાં સ્થાયી થયેલા ભરતભાઈ કરશનભાઈ વરસાણી ગત નવેમ્બર-૨૦૨૫માં ભાણેજીના લગ્નમાં હાજરી આપવા વતન આવ્યા હતા. પરત તાન્ઝાનિયા જવા માટે તેઓ મોબાઈલ ફોનમાં સસ્તી એર ટિકિટ મેળવવા સર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યો વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે એર ટિકિટ બુકિંગ પર ભારે ડિસ્કાઉન્ટ તથા ગિફ્ટ આપવાની લાલચ આપી તેમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
ભરતભાઈએ એપીકે (થર્ડ-પાર્ટી એપ) ડાઉનલોડ કરતાં જ ગઠિયાએ તેમના મોબાઈલ ફોનનો તમામ એક્સેસ (સ્ક્રીન કંટ્રોલ) મેળવી લીધો હતો. ત્યારબાદ ઠગે તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ.૯૫,૦૦૦ અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹૯૮,૯૦૦ મળી કુલ રૂ.૧,૯૩,૯૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા.
આ ઘટના અંગે તેમણે તુરંત સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી, પરંતુ નાણાં પરત ન મળતાં અને ભરતભાઈ વિદેશ પરત ફરી ગયા હોવાથી, તેમની બહેન મંજુલાબેન વાઘજીયાણીએ માધાપર પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(ઉત્સવ વૈદ્ય)