Fri Sep 04 2026

Logo

ધુળેટીની ઉજવણીમાં થયો ઝઘડો: મધ્યસ્થી કરનારાએ જીવ ગુમાવ્યો...

2026-03-04 18:25:00
Author: Yogesh C. Patel
ધુળેટીની ઉજવણીમાં થયો ઝઘડો: મધ્યસ્થી કરનારાએ જીવ ગુમાવ્યો...

થાણે: ભિવંડીની એક સોસાયટીમાં ધુળેટીની ઉજવણી વખતે થયેલા ઝઘડામાં મધ્યસ્થી કરનારા રહેવાસીએ જીવ ગુમાવવો પડ્યો હતો. ઝઘડો છોડાવવા આવેલા રહેવાસીને આરોપીઓએ લાકડાના પાટિયાથી ફટકારતાં તેનું મૃત્યુ થયું હતું.

નારપોલી પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સવારે કશેળી પરિસરમાં આવેલી એક રહેણાક સોસાયટીમાં બની હતી. મૃતકની ઓળખ ઉમેશ બિરા સાવ (44) તરીકે થઈ હતી.
ઉમેશ સોસાયટીના રહેવાસીઓ સાથે ધુળેટી રમતો હતો ત્યારે ચંદન પ્રકાશ હરિરામ સાવ, કારુકુમાર હરિરામ સાવ અને અન્ય એક વ્યક્તિ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ઉમેશે મધ્યસ્થી કરી ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતાં સાવ ભાઈઓ રોષે ભરાયા હતા.

કહેવાય છે કે આરોપી સાવ ભાઈઓએ મારપીટ પછી લાકડાના પાટિયાથી ઉમેશને ફટકાર્યો હતો. માથું, આંખ, હાથ અને પગ પર ગંભીર ઇજા સાથે તેને હૉસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ પ્રકરણે નારપોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બુધવારની મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરાઈ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)