મુંબઈ: મીરા રોડ અને ભાયંદર સહિત મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એક વર્ષ સુધી ચાલેલી ટેન્ડર પ્રક્રિયા પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા ભાયંદર-ઘોડબંદર કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ 17,036 કરોડ રૂપિયાના ખર્ચે 'બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર' મોડલ અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આ 15.4 કિલોમીટર લાંબા રૂટનું નિર્માણકાર્ય હાથ ધરશે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે 22 જૂન, 2026 એ આ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી દીધી છે.
આ રૂટ કેવો હશે?
ભાયંદર-ઘોડબંદર કનેક્ટિવિટી પ્રોજેક્ટના મુખ્ય બે તબક્કામાં છે. પહેલા તબક્કામાં ભાયંદરને કો ફાઉન્ટેઇન હોટેલ જંકશનથી જોડનાર 9.6 કિલોમીટર લાંબા અને છ લેન વાળા ક્રીક બ્રિજ બનાવવું પણ સામેલ છે. બીજા ફેઝમાં ફાઉન્ટેન હોટેલ જંક્શનથી ઘોડબંદર રૂટ પર ગાયમુખ સુધી 5.86 કિલોમીટર લાંબી, છ લેનવાળી ટ્વીન ટનલ બનાવવામાં આવશે. નવા રૂટથી થાણે જિલ્લામાં ટ્રાફિકની સમસ્યામાં આંશિક ઘટાડો થઈ શકે. જોકે અમુક તકલીફોના લીધે આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા પહેલા જ સ્થગિત થઈ ગઈ હતી.
L&Tએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
આ પહેલા એમએમઆરડીએના પ્રોજેક્ટને બે પેકેજમાં વહેંચ્યા હતા. પહેલા પેકેજ માટે 'મેધા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' દ્વારા સૌથી ઓછી બોલી લગાવવામાં આવી હતી, જ્યાં ટેક્નિકલ મૂલ્યાંકનના તબક્કામાં 'લાર્સન એન્ડ ટુબ્રો'એ અયોગ્ય જાહેર કરી દીધો હતો. L&Tએ આ નિર્ણયને પહેલા બોમ્બે હાઇ કોર્ટ અને પછી સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
પ્રોજેક્ટમાં કેમ વિલંબ થયું?
'લાર્સન એન્ડ ટુબ્રો' (એલએન્ડટી)એ અદાલતમાં એવો દાવો કર્યો કે ટનલ માટે તેમની બોલીનું પેકેજ 6,498 કરોડ રૂપિયા અને એલિવેટેડ કોરિડોર માટે 5554 કરોડ રૂપિયા હતું. સંપૂર્ણ પ્રોજેક્ટ માટે કુલ 12000 કરોડ રૂપિયા. આથી વિપરીત MEILએ 14,000 કરોડ રૂપિયામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, સર્વોચ્ચ અદાલતે આ મામલાને અનિર્ણાયક માની રદ્દ કર્યો હતો. ત્યાર બાદ એમએમઆરડીએએ ફરીથી ટેન્ડર મંગાવ્યા અને સંપૂર્ણ પ્રક્રિયા બીજીવાર શરૂ કરી હતી.
17,036 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
ત્યાર બાદ એમએમઆરડીએ એ અને L & T પાસેથી ખર્ચની વિગતો અને જરુરી દસ્તાવેજો માંગ્યા હતા. આ દરખાસ્તની સમીક્ષા ટેક્નિકલ અને નાણાકીય નિષ્ણાંતોની એક સમિતિ તરફથી થવાની હતી. જોકે, ગયા અઠવાડિયા સુધી L&Tએ આ માંગનો કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ 22 જૂને રાજ્ય સરકાર દ્વારા 17,036 કરોડ રૂપિયા ખર્ચના આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ સુધારેલ માંગ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારે ખર્ચનો 20-20 ટકા ભાગ વહન કરશે.
નિર્માણકાર્ય ક્યારે પૂર્ણ થશે?
આશા છે કે આ રૂટ પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકની ભીડ ઓછી કરશે અને લોકોને ઉત્તર-દક્ષિણ દિશામાં અવરજવર માટે એક વૈકલ્પિક રસ્તો આપશે. આ સંપૂર્ણ રૂટ 57.76 હેકટર જમીન પર બનાવવામાં આવશે. આશા છે કે આગામી પાંચ વર્ષોમાં આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ જશે અને પ્રવાસીઓ માટે આ રૂટ ખુલ્લો મુકવામાં આવશે.