Mon Aug 24 2026

Logo

ભાયંદરમાં માતાને બચાવવા જતાં પુત્રએ જીવ ખોયો: પિતાની ધરપકડ

2026-07-30 19:53:43
Author: Yogesh C. Patel
Article Image

થાણે: માતા-પિતાના ઝઘડામાં મધ્યસ્થી કરનારા પુત્ર પર છરીથી હુમલો કરવામાં આવતાં તેનું મોત નીપજ્યું હોવાની ઘટના ભાયંદરમાં બનતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. ઉત્તન સાગરી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ બિન્દેશકુમાર સોની (46) તરીકે થઈ હતી. સોનીને સ્થાનિક મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ભાયંદરના ઉત્તન સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુભાષચંદ્ર માર્કડે જણાવ્યું હતું કે ઘટના 26 જુલાઈની રાતે ઉત્તનમાં બની હતી. એક સગાના મૅરેજ રિસેપ્શનમાં જવાને મુદ્દે રાતે 11.30 વાગ્યાની આસપાસ સોનીનો પત્ની સાથે ઝઘડો થયો હતો.

બોલાચાલી ઉગ્ર બનતાં ગુસ્સામાં આરોપીએ છરીથી પત્ની પર હુમલો કર્યો હતો. જોકે માતાને બચાવવા પુત્ર અભયે (24) મધ્યસ્થી કરી હતી. પરિણામે સોનીએ પુત્ર અભય પર છરીથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલા અભયને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અભયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે પત્નીની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ સોનીની ધરપકડ કરવામાં આવી હોવાનું માર્કડે જણાવ્યું હતું. (પીટીઆઈ)