Thu May 14 2026

Logo

ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી ગરમી: હૉસ્પિટલમાં દરદી ઊભરાયા

2026-05-14 21:00:03
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં ગુરુવારે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આગ ઝરતી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ બાદ આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો અને બગીચાઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

આજે શહેરનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રીના ઉછાળા સાથે 45.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. દિવસભર લૂ ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

અતિશય ગરમીની સીધી અસર આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. તળાજાની સરકારી હોસ્પિટલમાં ગરમીજન્ય બિમારીઓના દર્દીઓનો ભારે વધારો નોંધાતા તમામ ખાટલાઓ દર્દીઓથી ભરાઈ ગયા હતા. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. સાકીયાએ જણાવ્યું હતું કે ભારે ગરમીના કારણે શરીરમાંથી વધુ પરસેવો નીકળે છે અને જરૂરી કાળજી ન લેવાતા લોકો વિવિધ રોગોના ભોગ બની રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓ શ્રમિક અને આર્થિક રીતે સામાન્ય પરિવારોના હોય છે, જે તડકામાં બહાર કામ કરવા મજબૂર બનતા હોય છે. જેના કારણે તાવ, એસિડિટી, ડિહાઇડ્રેશન, પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી જેવી તકલીફો વધી રહી છે. અનેક દર્દીઓને માત્ર દવા કે ઇન્જેક્શનથી રાહત ન મળતા તેમને દાખલ કરી બાટલા ચડાવવાની ફરજ પડી રહી છે. હાલ હોસ્પિટલમાં દવાઓ અને જરૂરી સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ડોક્ટરોએ લોકોને બિનજરૂરી રીતે તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા તેમજ લીંબુ સરબત, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું વધુ સેવન કરવાની સલાહ આપી છે. હીટસ્ટ્રોકથી બચવા ખાસ સાવચેતી રાખવાની જરૂર હોવાનું તબીબોએ જણાવ્યું છે.