Tue Aug 25 2026

Logo

આ તો સ્કેમ છે... સ્કેમ છે..! : ભંસાલી સ્કૅમ એટલે નિયમનની ત્રુટિઓનો ગેરલાભ

2026-05-27 14:06:00
Author: Praful Shah
આ તો સ્કેમ છે... સ્કેમ છે..! : ભંસાલી સ્કૅમ એટલે નિયમનની ત્રુટિઓનો ગેરલાભ

પ્રફુલ શાહ

ચેન રૂપ ભંસાલીએ રાજસ્થાનથી દિલ્હી વાયા કોલકાતાની સફર બાદ 1992માં સી.આર.બી. મ્યુચ્યુઅલ ફંડ અને સી.આર.બી. શૅર કસ્ટોડિયલ સર્વિસિઝ ઉપરાંત સાથે 134 અનલિસ્ટેડ કંપનીઓ અને સબસિડિયરીઓ પણ ઊભી કરી. પછી તેણે નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની (એન.બી.એફ.સી.) ક્ષેત્રમાં જે કંઈ કર્યું તે હવે જોઈએ. 

નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની ક્ષેત્રમાં આવેલી તેજી અને નિયમનમાં રહેલી ત્રુટિઓનો લાભ લેવા માટે ભંસાલી પૉન્ઝી સ્કીમ્સ લાવ્યો. 1992થી 1996 વચ્ચેની છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ દ્વારા તેણે ફિક્સ્ડ ડિપૉઝિટ, ડિબેન્ચર્સ અને બૉન્ડ્સ મારફતે લગભગ 900 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પછી આ તોતિંગ રકમ પોતાની અસ્તિત્વમાં જ ન ધરાવતી કંપનીઓમાં ટ્રાન્સફર કરી હતી.

 પરંતુ એક સમયે જાહેરમાંથી મેળવેલા ઊંચા વ્યાજવાળી રકમ પર વળતર આપવામાં મુશ્કેલી પડવા માંડી. આ નિષ્ફળતાને પહોંચી વળવા તેણે અનેક લોન લેવા માંડી હતી. એટલું જ નહિ, પોતાના શૅરો પાછા ખરીદવા અથવા હાલના ફંડ્સ વચ્ચે ક્રૉસ-શૅરિંગ દ્વારા નફો બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેના ઑડિટર્સે પણ આ છેતરપિંડી ઢાંકી રાખવામાં ખૂબ મદદ કરી હતી. 

ચેન રૂપ ભંસાલીએ ધાર્મિક અને રાજકીય નેતાઓ તેમ જ સેલિબ્રિટીઝ સાથે સંબંધો જાળવી નવા રોકાણકારો અને ગ્રાહકો સુધ્ધાં મેળવ્યા હતા. તેની કાર્યપદ્ધતિ જુઓ: રોકાણકારો અને થાપણકારોને ઊંચા વળતરની લાલચ આપવી જે વાસ્તવિક નફાથી નહીં પરંતુ નવા રોકાણકારોનાં નાણાંથી ચૂકવાતી હતી. શરૂઆતમાં આજુબાજુની એજન્સીઓની પ્રતિક્રિયા પણ ખાસ નહોતી. ગ્રાહકો સાથેના સારા સંબંધોના કારણે તેની કંપનીને `કેર' (સી. એ. આર. ઈ. - ક્રેડિટ એનાલિસિસ ઍન્ડ રિસર્ચ) દ્વારા એ. એ. એ. રેટિગ પણ આપવામાં આવ્યું હતું.
આના કારણે કંપની પ્રત્યે વિશ્વસનીયતાનું વાતાવરણ ઊભું થયું હતું.

મૂળમાં આ બધી સ્કીમોમાં તે નવા રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરીને જૂના રોકાણકારોને ચુકવણી કરતો હતો. પણ આવું ક્યાં સુધી ચાલે? કાયમ માટે તો ન જ ચાલે ને? સી. આર. ભંસાલી સ્કૅમ આ પ્રકારની સ્કીમ પર આધારિત ભારતનો પહેલો મોટો સ્કૅમ બન્યો હતો અને ભારતે જોયેલા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ સ્કૅમ્સમાંનો એક માનવામાં આવે છે.આરીતે 1996માં ભારતીય શૅરબજારે વધુ એક વિશાળ એટલે કે 1200 કરોડ રૂપિયાના સ્કૅમનો આંચકો અનુભવ્યો હતો.  (ક્રમશ:)