બીડઃ નિસર્ગના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા તો દરેકને હોય છે, પરંતુ જ્યારે કુદરત રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આ જ સુંદરતા ભયાવહ પણ લાગવા લાગે છે. આવી જ પરિસ્થિતિનો સામનો હાલમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા કપિલધારી ગામના લોકો કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે એમની સ્ટોરી...
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું કપિલધારવાડી ગામ હાલમાં કુદરતી આફતના ભય અને તંત્રની ઉદાસીનતા વચ્ચે દબાયેલું છે. ચારેબાજુ વિશાળ પહાડોથી ઘેરાયેલા આ ગામમાં 200 જેટલા પરિવારો વસવાટ કરે છે, પરંતુ દર વર્ષે ચોમાસું આવે ત્યારે આ લોકો માટે તે જીવલેણ બની જાય છે.
ભૂસ્ખલનનો સતત ખતરો
ગયા વર્ષે મુસળધાર વરસાદને કારણે ગામનો મુખ્ય રસ્તો પાંચ ફૂટ સુધી ખસી ગયો હતો અને અનેક ઘરોની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. ત્યારે વહીવટીતંત્રે માત્ર એક મંદિરમાં થોડા દિવસોનો આશરો આપ્યો હતો અને પુનઃવસનનું વચન આપ્યું હતું, જે આજે પણ માત્ર કાગળ પર જ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 19 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત થઈ હોવા છતાં, જમીન પર એક પણ ઈંટ મૂકવામાં આવી નથી કે કોઈ અધિકારી સ્થળની મુલાકાતે આવ્યો નથી.
જીવ જોખમમાં મૂકીને જીવતા લોકો
ગામની એસ.ટી. સેવા બંધ છે અને શાળા પણ અન્ય ગામમાં ખસેડવામાં આવી છે. પોતાની ખેતી અને પશુધનને છોડીને આ પરિવારો ક્યાં જાય? તે સૌથી મોટો પ્રશ્ન છે. ગ્રામજનોને ડર છે કે જો વરસાદે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, તો ફરી એક માળિણઘાટ જેવી મોટી દુર્ઘટના અહીં પણ સર્જાઈ શકે છે.
તંત્રની આળસ કે બેદરકારી?
કોઈ મોટી દુર્ઘટના ઘટે અને પછી મદદના હાથ લંબાવવા તેના કરતા, સમયસર પગલાં ભરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તે તંત્રની પ્રાથમિક જવાબદારી છે. કપિલધાર વાડીના આ 200 પરિવારોને હવે પોકળ કે ઠાલા આશ્વાસનો નહીં, પરંતુ તાત્કાલિક સુરક્ષિત આશ્રય અને નક્કર પુનઃવસનની જરૂર છે. આખું બીડ જિલ્લો હવે જોઈ રહ્યું છે કે તંત્ર જાગે છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવાય છે?