નવી દિલ્હીઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ થોડા દિવસ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા અને હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટના ઘડવૈયા તરીકે જગવિખ્યાત મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમોને પૂર્ણપણે લાગુ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. લંડન-સ્થિત એમસીસીએ ક્રિકેટના કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનો બીસીસીઆઇ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્વીકારી લેવામાં આવ્યો છે.
બીસીસીઆઇ દ્વારા એ ફેરફાર સંબંધિત વિગતો દરેક રાજ્યના ક્રિકેટ અસોસિયેશનને મોકલી દેવામાં આવી છે. સૌથી મોટો નિયમ ડોમેસ્ટિક ક્રિકેટ મૅચના દિવસની આખરી ઓવરનો છે. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી સહિતની કેટલીક ટૂર્નામેન્ટમાં ચાર-પાંચ દિવસની મૅચો રમાતી હોય છે. નવા નિયમ અનુસાર હવે જો દિવસની અંતિમ ઓવરમાં વિકેટ પડશે તો પણ એ ઓવર પૂરી કરવી જ પડશે. અગાઉ આવી સ્થિતિમાં અમ્પાયર એ દિવસની રમત પૂરી થઈ ગઈ હોવાની જાહેરાત કરતા હતા.
એ ઉપરાંત, લેગ સાઇડના વાઇડ બૉલ વિશેનો નિયમ પણ બદલાયો છે. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં આ બધા ફેરફારો હવે આગામી સીઝનમાં જોવા મળશે અને એમાં રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વગેરેનો સમાવેશ છે.
બીસીસીઆઇ દ્વારા લાગુ થનારા ફેરફારો
(1) હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિવસની અંતિમ ઓવર પૂરી કરવી જ પડશે. એ ઓવરમાં વિકેટ પડે એને પગલે ઓવર બાકી રાખીને બીજા દિવસે પૂરી કરવામાં આવે એવું હવે નહીં ચાલે. એ જ દિવસે એ ઓવર પૂરી કરવાની રહેશે.
(2) બૅટ્સમેનો જો જાણી જોઈને શૉર્ટ રનની ચાલબાજી કરશે તો પછીના બૉલ પર કયો બૅટ્સમૅન સ્ટ્રાઇક પર આવશે એનો નિર્ણય લેવાનો અધિકાર ફીલ્ડિંગ ટીમના કૅપ્ટનને મળશે.
(3) વન-ડે તથા ટી-20માં લેગ સાઇડના વાઇડ બૉલ સંબંધમાં પણ નિયમ બદલાયો છે.
(4) વન-ડે મૅચ દરમ્યાન ટીમના હેડ-કોચ ડ્રિન્ક્સ-ઇન્ટરવલ દરમ્યાન મેદાન પર આવી શકશે.
(5) હવેથી બૉલને ડેડ જાહેર કરવા વિશે પણ નિયમ બદલાયો છે. હવે એ બાબતમાં બૉલ વિકેટકીપરના હાથમાં કે ફીલ્ડર પાસે હોવો જરૂરી નથી. હવે બૉલ ફીલ્ડર પાસે હશે કે મેદાન પર પડ્યો હશે તો પણ એ ડેડ ગણાશે.
(6) જો કોઈ બોલરે જાણી જોઈને ફ્રન્ટ-ફૂટ નો બૉલ ફેંક્યો હશે તો તે એ ઇનિંગ્સમાં જ નહીં, પણ આખી મૅચમાં ફરી બોલિંગ નહીં કરી શકે.
(7) જો કૅચ ઝીલવામાં કોઈ બૅટ્સમૅનથી ખલેલ પહોંચી હશે તો પછીના બૉલ પર કયો બૅટ્સમૅન સ્ટ્રાઇક પર આવશે એ ફીલ્ડિંગ ટીમનો કૅપ્ટન નક્કી કરી શકશે.
(8) બૉલ ફેંકવામાં આવી રહ્યો હોય ત્યારે દરેક ફીલ્ડર બાઉન્ડરી લાઇનની અંદર હોવો જોઈશે. આ નિયમનો અર્થ એ છે કે મૅચની રમત બાઉન્ડરી લાઇનની અંદર જ થઈ રહી છે.
(9) મેદાન પર જો કોઈ ખેલાડી ગેરકાનૂની સાધનનો ઉપયોગ કરતો હશે તો એની જાણકારી મૅચ રેફરી સુધી પહોંચાડવાનું કામ અમ્પાયરોનું રહેશે.
(10) હવેથી વિકેટકીપરે જો બોલરના રન-અપ દરમ્યાન પોતાના ગ્લવ્ઝ પોતાની આગળ રાખ્યા હશે તો વિકેટકીપર સામે કોઈ પગલું નહીં ભરાય.