મુંબઈઃ મુંબઈના બાંદ્રામાં ગરીબનગર ખાતે અનધિકૃત બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ગઈકાલની હિંસા પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેમ જ આ કામગીરી "માનવતાવાદી અભિગમ" અપનાવવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ડિમોલિશનનું કામકાજ સતત ચાલી રહ્યું છે અને આજે લગભગ 85 ટકા ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. આ સંવેદનશીલ મામલો હોવાથી અધિકારીઓ આ કામગીરીને કાળજીપૂર્વક સંભાળી રહ્યા છે.
અધિકારીઓ ખાતરી કરી રહ્યા છે કે ભારે મશીનરીના ઉપયોગ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે અને કોઈને મુશ્કેલી હોય તો તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્થળ પર હાજર લોકોને 2,000થી વધુ પાણીની બોટલ અને પેક્ડ ફૂડનું વિતરણ કરવામાં આવ્યું છે. હાઈ કોર્ટના આદેશના આધારે, ડિમોલિશન કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળ સ્થળ પર થયેલા પથ્થરમારા અને પ્રદર્શનના મુદ્દા પર પણ વાત કરી અને કહ્યું હતું કે એક નાની સમસ્યા હતી, પરંતુ અમારી ટીમે તેને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી હતી. 10-15 મિનિટમાં સમગ્ર પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને હવે તેને સંપૂર્ણ નિયંત્રણમાં લાવવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેની જમીન પર રહેતા લગભગ 100 પાત્ર પરિવારોનું આગામી ચાર મહિનામાં પુનર્વસન થવાની સંભાવના છે. પશ્ચિમ રેલવેએ તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને પુનર્વસન દરખાસ્ત પર કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યા બાદ આ ખાતરી આપવામાં આવી છે.
બાંદ્રા સ્ટેશન નજીક અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ થઈ ત્યારથી ભય અને અનિશ્ચિતતા હેઠળ જીવી રહેલા રહેવાસીઓને આથી આંશિક રાહત મળી છે. વસાહતમાં લગભગ 500 ઝૂંપડા હતા, પરંતુ રેલવેના અધિકારીઓએ પુનર્વસન માટે પાત્ર તરીકે ફક્ત 100 પરિવારોની ઓળખ કરી છે.
બુધવારે કર્યો હતો લાઠીચાર્જ
મંગળવારથી પાંચ દિવસની ચાલુ કરવામાં આવેલી અતિક્રમણ વિરુદ્ધની ઝુંબેશમાં બુધવારે હિંસાનું સ્વરુપ ધારણ કર્યું હતું. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યા પછી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ કાર્યવાહીના વિરોધમાં પોલીસ પર કાચની બોટલ અને પથ્થર ફેંકવાને કારણે પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. હિંસાના માહોલ પછી રેલવે પોલીસે પંદર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.