સંકલન: સ્મૃતિ શાહ મહેતા
ઉધરસ એટલે શું?
* ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે.
* જ્યારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્વાસનળીમાં પ્રવેશ કરે છે ત્યારે ફેફસાં સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેને ઉધરસ કહેવાય છે, તેની પ્રક્રિયા આ મુજબ છે....
1) જ્યારે બહારની વસ્તુ શ્વાસનળીમાં આવે ત્યારે શ્વાસનળીમાં રહેલા ચેતાતંતુઓ મગજને તરત જ સંકેત આપે છે.
2) છાતી- ફેફસાં અને પેટના સ્નાયુઓને મગજ સંકેત આપીને સક્રિય કરે છે.
3) તે સ્નાયુઓ પ્રથમ ફેફસાંની અંદર હવા ભરીને તેને 160 કીલોમીટર/ કલાકની સ્પીડે બહાર કાઢે છે.
વાત પિત્ત અને કફથી થતી ઉધરસનાં લક્ષણ:
વાત પ્રકૃતિ:
* પેટમાં રહેલો અપક્વ રસ ઉપર ચઢે ત્યારે થાય.
* મોઢું સુકાય જાય અને ખાંસી સૂકી હોય.
* શરીર અશક્ત જણાય.
* વારંવાર ખાંસી આવ્યા કરે અને અવાજ બેસી જાય.
* શરદી-કફ થયા વિના પણ ઉધરસ થઈ શકે.
પિત્ત પ્રકૃતિ:
* પિત્ત અથવા વાત-પિત્ત પ્રકૃતિવાળા લોકોને મોટા ભાગે થતી હોય છે.
* શરદી-કફ થયા વિના પણ ઉધરસ થાય.
* મોઢું કડવું રહે અને અવાજ બેસી શકે.
* ઉધરસ વખતે ગળામાં બળતરા થાય.
* મોટા ભાગે ઉષ્ણઋતુમાં અથવા ઋતુ બદલાય ત્યારે થાય.
કફ પ્રકૃતિ:
* કફના ગળફા નીકળ્યા કરે અને છાતી કફથી ભરેલી જણાય.
* મોટા ભાગે શરદી-કફ થયા પછી ઉધરસ થાય.
* મોઢું ચીકણું રહે.
* શરીર ભારે અને શિથિલ થઈ શકે.
* ભોજન પર અરુચિ રહે.
* વાત, પિત્ત અને કફ સિવાય ઉધરસ થવાનાં અન્ય કારણ:
* જે કારણોથી ગળાનું ઈન્ફેકશન થાય તે જ કારણોથી ઉધરસ પણ થઈ શકે છે.
* તણાવ, ચિંતા અને ડિપ્રેશનયુક્ત જીવવાથી આપણી શ્ર્વાસનળી સંકુચિત થઈ જાય છે અને આ રક્ષણ માટે શરીર ઉધરસ ઉત્પન્ન કરે છે.
* વધુ ઉતાવળમાં અને ચાવ્યા વિના જમવાથી થયેલ અર્જીણથી.
* વધુ પડતા ઠંડા પદાર્થોના સેવનથી.
* મળ-મૂત્રના વેગને રોકવાની આદતથી.
* શ્વાસ સંબંધી રોગ થવાથી. (અસ્થમા વગેરે)
* ધૂમ્રપાન કે તમાકુના વ્યસનથી.
* ઉધરસ ખાવાની ખોટી ટેવ પડી જવાથી.
* ઉપચાર:
વાત-પિત્તના કારણે થયેલી ઉધરસના ઉપચારો (જેમાં ભીનો કફ ન હોય)
* 3 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ 1 ચમચી ઘી સાથે ચાટવું
* કાળી દ્રાક્ષ અને સાકર મોઢામાં રાખવી
* 1 કેળું, 1 ચમચી ઘી અને 1 ચમચી સાકર ભેગું કરીને લેવું.
* છાલ સાથે ચીકુ ખાવા.
* વધુ પિત્તના કારણે ઉધરસ થઈ હોય તો માપસરનાં ઠંડાં પ્રવાહી લઈ શકાય.
કફના કારણથી થયેલી ઉધરસના ઉપાય:
* લવિંગ મોંમાં રાખી ચૂસવું.
* 1 ચમચી મધ અને 2 ચમચી આદુંનો રસ મેળવીને પીવો
* 2 થી 3 ચમચી ફુદીનાનો રસ પીવો.
* 1-2 ચમચી લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવું.
* અડધી ચમચી તજ અથવા મરીનું ચૂર્ણ 1 કપ દૂધમાં ઉકાળીને પીવું.
* 1 ચમચી અરડૂસીના પાનના રસ સાથે 1 ચમચી મધ લેવું.
* હળદર અને સૂંઠ સવાર-સાંજ મધમાં ચાટવું.
* 1 કપ ગરમ કરેલા દૂધમાં 1-1 ચમચી હળદર અને ઘી મેળવીને પીવું.
* થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે, અને ઉધરસ તથા દમ મટશે.
* મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. હળદર અને મીઠાવાળા ગરમ શેકેલા ચણા (દાળિયા) ખાવા.