Wed May 06 2026

Logo

ફોકસઃ વિશ્વ અસ્થમા દિવસ દરેક શ્વાસનું મૂલ્ય સમજો...

2026-05-05 08:35:16
Author: ડો. માજીદ અલીમ
Article Image

World Asthma Day


ડો. માજીદ અલીમ

શ્વાસથી જ જીવન ચાલે છે. એ આપણા જીવનની સૌથી સ્વાભાવિક પ્રક્રિયા છે. તે એટલી સ્વાભાવિક છે કે ઘણીવાર આપણે તેનું મહત્ત્વ પણ અનુભવતા નથી, પરંતુ જ્યારે આ જ શ્વાસ વચ્ચે-વચ્ચે અટકવા લાગે છે, છાતીમાં ભારેપણું અનુભવાય છે અને એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે આપણને સમજાય છે કે જીવન માટે તે કેટલો અમૂલ્ય છે. 

શ્વાસની આ જ કિંમતને ધ્યાનમાં રાખીને દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે ‘વિશ્વ અસ્થમા દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં આ દિવસ પાંચ મે ના રોજ આવી રહ્યો છે. આ દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી લોકો શરીરની સૌથી સ્વાભાવિક પ્રક્રિયા એટલે કે શ્વાસ લેવાના મહત્વને સમજે છે અને તેના પ્રત્યે જાગૃત થાય છે.

વિશ્વ અસ્થમા દિવસ વાસ્તવમાં લોકોને શ્વાસ લેવા એટલે કે શ્વસનના મહત્ત્વનો અહેસાસ કરાવવાનો દિવસ છે. આ એક એવો અવસર છે, જે આપણને માત્ર અસ્થમા જેવી ગંભીર શ્વસન સંબંધી બીમારીઓ પ્રત્યે જાગૃત જ નથી કરતો પરંતુ એ પણ શીખવે છે કે સ્વાસ્થ્ય અને પર્યાવરણ નો કેટલો ઊંડો સંબંધ છે. તેથી, જો આપણે જીવનના શ્વાસને સહજ બનાવી રાખવા માગતા હોઈએ, તો એ જરૂરી છે કે આપણે આપણા પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનીએ અને તેને દૂષિત ન કરીએ; કારણ કે સ્વસ્થ પર્યાવરણ આપણને શ્વાસ લેવામાં સરળતા પ્રદાન કરે છે. 

આજે, વિશ્વભરનાં શહેરોમાં, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, અસ્થમા દરેકને ઘેરી રહ્યો છે, કારણ કે શહેરોની હવા ઝેરી બની ગઈ છે. આવા સમયમાં, વિશ્વ અસ્થમા દિવસ એક ચેતવણી પણ છે અને એક આશા પણ. ચેતવણી આ વધતા જતા જોખમની અને આશા સાચી જાણકારીની. સમયસર સારવાર અને સામૂહિક પ્રયાસોથી આપણે દરેક શ્વાસને સુરક્ષિત બનાવી શકીએ છીએ.

વર્ષ 1998માં ‘ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા’ દ્વારા વિશ્વ અસ્થમા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે અસ્થમાની સારવાર અને નિવારણ માટે વૈશ્વિક સ્તરે માર્ગદર્શિકા તૈયાર કરે છે. આ જ સંગઠને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી વિશ્વ અસ્થમા દિવસની શરૂઆત કરી અને અસ્થમા વિશે લોકોમાં ફેલાયેલી ભ્રમણાઓ દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા.

આ સંગઠને લોકોનું ધ્યાન ખેંચીને જણાવ્યું કે જો યોગ્ય સારવાર અને નિયંત્રણની સાચી પદ્ધતિઓ અપનાવવામાં આવે, તો અસ્થમા જેવી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. સરકારો અને આરોગ્ય સંસ્થાઓને આ દિશામાં વિશેષ રૂપે સક્રિય કરવાની પહેલ પણ આ દિવસના ઉદ્દેશ્યનો જ એક ભાગ છે. દુનિયાભરમાં અસ્થમાના કેસોમાં 21મી સદીની શરૂઆતથી જ વધારો થઈ રહ્યો છે, કારણ કે વિશ્વનું પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. તેથી આજે આ દિવસનું મહત્ત્વ ઘણું વધારે છે.

અસ્થમા વાસ્તવમાં એક ક્રોનિક એટલે કે લાંબા ગાળાનો શ્વસન રોગ છે, જેમાં શ્વાસનળીઓમાં સોજો આવી જાય છે અને તે સંકોચાઈ જાય છે. આના કારણે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છાતીમાં જકડન અનુભવાય છે તેમ જ ઉધરસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આપણા પોતાના દેશ એટલે કે ભારતમાં ત્રણથી ચાર કરોડ લોકો અસ્થમાથી પીડિત છે, જેમાં વૃદ્ધો, બાળકો અને યુવાનો પણ સામેલ છે. વાસ્તવમાં અસ્થમાનાં મુખ્ય કારણો છે:

* વાયુ પ્રદૂષણ એટલે કે વાતાવરણમાં પીએમ 2.5, ધૂળ, ધુમાડો વગેરેની હાજરી.
* અસ્થમા એલર્જીને કારણે પણ થાય છે. વાસ્તવમાં પરાગ રજ, ધૂળના રજકણો અને પાળેલાં પ્રાણીઓથી અસ્થમાની એલર્જી થાય છે.
* ધૂમ્રપાન કરવાથી અથવા ધૂમ્રપાન કરનારાઓની વચ્ચે રહેવાથી પણ અસ્થમાની સમસ્યા થઈ શકે છે.
* બદલાતી આબોહવા અને તાપમાન પણ આનું કારણ બને છે.
*  અને કેટલાક કિસ્સાઓમાં અસ્થમા આનુવંશિક કારણોસર પણ હોય છે.

આજના યુગમાં જ્યારે વિશ્વ અસ્થમા દિવસનું મહત્ત્વ પહેલા કરતા ક્યાંય વધુ વધી ગયું છે, ત્યારે તેનું કારણ એ છે કે ભારતનાં લગભગ તમામ શહેરો હાલમાં વાયુ પ્રદૂષણ અને હવાની ગુણવત્તાના સતત બગડતા સ્તરનો સામનો કરી રહ્યા છે. અસ્થમાના દર્દીઓ માટે આ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. 

વિશ્વ અસ્થમા દિવસ ખાસ કરીને આ જોખમો તરફ ધ્યાન દોરે છે. નાનાં બાળકોમાં અસ્થમાના કિસ્સાઓ આ દિવસોમાં ઝડપથી વધી રહ્યા છે, કારણ કે વાયુ પ્રદૂષણ તેમને અભ્યાસ સમયે, રમતગમત દરમિયાન અને સામાન્ય જીવનની પ્રવૃત્તિઓ કરતી વખતે આમ દરેક સમયે પ્રભાવિત કરે છે. ઘણા લોકો અસ્થમાને અસાધ્ય માને છે. તેઓ તેને એક રોગ માને છે, પણ એવું નથી. 

યોગ્ય કાળજી અને સાવચેતી સાથે, અસ્થમા સંપૂર્ણપણે નિયંત્રણક્ષમ સ્થિતિ છે. ઇન્હેલર, દવા અને સ્વસ્થ જીવનશૈલી સાથે, અસ્થમાના દર્દીઓ સામાન્ય લોકોની જેમ આરામદાયક જીવન જીવી શકે છે. પરંતુ અસ્થમા ભલે ગમે તેટલો નિયંત્રણમાં હોય, એક કટોકટીની આશંકા હંમેશાં રહેલી હોય છે અને અસ્થમાનો એટેક હંમેશાં અચાનક આવે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે.

તેથી જ અસ્થમાના દર્દીઓએ આવી સ્થિતિ પ્રત્યે હંમેશાં સતર્ક રહેવાની જરૂર હોય છે અને તેમણે પોતે સમજવું પડે છે, તેમ જ તેમની સાથે રહેતા લોકોને પણ સમજાવીને રાખવું પડે છે કે આખરે અસ્થમા એટેકનાં લક્ષણો શું છે અને જો એટેક આવે, તો તેનાથી કેવી રીતે સાવધ રહેવું જોઈએ. 

આ બાબતોની જાણકારી માત્ર અસ્થમાના દર્દીને જ નહીં પરંતુ તેમની સાથે રહેતા લોકોને પણ હોવી જોઈએ, તો જ અચાનક આવેલા અસ્થમાના એટેકથી સમયસર બચી શકાય છે. અસ્થમા દિવસ નિમિત્તે વિશેષ રીતે ઠેર-ઠેર કેમ્પ લગાવીને, હોસ્પિટલોમાં અને કોમ્યુનિટી સેન્ટરોમાં આરોગ્ય સ્વયંસેવકો અસ્થમાનાં લક્ષણોની જાણકારી આપે છે.

અસ્થમાથી બચાવના સાત જરૂરી ઉપાય:

* માસ્ક પહેરો: જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો, ખાસ કરીને જ્યારે એક્યુઆઇ વધારે હોય.
* ટ્રિગર્સથી બચો: ધૂળ, ધુમાડો, પરાગરજ કે ઠંડી હવા અસ્થમાને ઉત્તેજિત કરી શકે છે. તેથી આવી સ્થિતિઓથી દૂર રહો.
* ઇન્હેલરનો ઉપયોગ: ડોક્ટર દ્વારા જણાવ્યા મુજબ નિયમિતપણે ઇન્હેલરનો ઉપયોગ કરો.
* ઘરની સ્વચ્છતા: ઘરમાં સાફ-સફાઈ રાખો; ધૂળ, માટી, કાર્પેટ અને જૂના ગાદલા અસ્થમાની એલર્જી વધારી શકે છે.

* ધૂમ્રપાનથી દૂર રહો: સ્મોકિંગ અને સેક્ધડ હેન્ડ સ્મોકિંગ બંનેથી દૂર રહો.
* નિયમિત વ્યાયામ: દરરોજ નિયમિત કસરત કરો, ખાસ કરીને પ્રાણાયામ જેથી ફેફસાં મજબૂત બને.
* ડોક્ટરની સલાહ: સમયસર ડોક્ટરનો સંપર્ક કરો. વિલંબ કરવાથી સ્થિતિ વધુ બગડી શકે છે.