Sat Sep 05 2026

Logo

બંગાળમાં ઐતિહાસિક વિજય બાદ હવે ભાજપનું 'મિશન પંજાબ': 2027ની તૈયારીઓના આપ્યા સંકેત

2026-05-05 17:32:01
Author: Devayat Khatana
બંગાળમાં ઐતિહાસિક વિજય બાદ હવે ભાજપનું 'મિશન પંજાબ': 2027ની તૈયારીઓના આપ્યા સંકેત

નવી દિલ્હી: ચોથી મેના જાહેર થયેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં દિવાળી જેવો માહોલ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત 'કમળ' ખીલતા ભાજપએ નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ 2016, 2021 અને ત્યાર બાદ 2026ની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વિશેષ ફોકસને પરિણામે લાગલગાટ 15 વર્ષ શાસન કરનાર ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી)ને સત્તા પરથી ઉખાડી ફેંકવામાં ભાજપને સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં ભવ્ય વિજય બાદ ભાજપ હવે જરા પણ વિરામ લીધા વિના આગામી લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.

દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે વડા પ્રધાન મોદીના વિજય સંબોધન દરમિયાન એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેણે રાજકીય વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદી મંચ પર આવ્યા તે પહેલાં પ્રેક્ષકોની પ્રથમ હરોળમાં શીખ સમુદાયના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

'જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'ના નારાઓ સાથે ગૂંજી ઉઠેલા મુખ્યાલયમાં શીખ સમુદાયની આ મજબૂત હાજરી કોઈ સંયોગ નહીં પણ એક વ્યૂહાત્મક સંકેત માનવામાં આવે છે. રાજકીય પંડિતોના મતે આ દ્રશ્ય ભાજપ દ્વારા 2027માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓનો શંખનાદ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ માટે પંજાબ હંમેશા એક પડકારજનક રાજ્ય રહ્યું છે, જ્યાં અત્યાર સુધી પાર્ટીને આશાસ્પદ સફળતા મળી નથી. હાલ પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું શાસન છે. જોકે, પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીતથી ઉત્સાહિત ભાજપ હવે પંજાબમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. 

રસપ્રદ વાત એ છે કે, આમ આદમી પાર્ટીના પૂર્વ પંજાબ પ્રભારી રાઘવ ચઢ્ઢા જેવા મજબૂત નેતા હવે ભાજપની સાથે છે, જે પક્ષ માટે પંજાબમાં માર્ગ મોકળો કરી શકે છે. બંગાળની જીત બાદ હવે ભાજપનું સંપૂર્ણ ધ્યાન 2027માં પંજાબમાં સત્તા પરિવર્તન લાવવા પર કેન્દ્રિત થયું છે.