Fri Aug 28 2026

Logo

પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર ભયાનક બ્લાસ્ટ, તપાસનો ધમધમાટ

2026-05-05 22:43:56
Author: Devayat Khatana
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર ભયાનક બ્લાસ્ટ, તપાસનો ધમધમાટ

જલંધર: પંજાબના જલંધરમાં મંગળવારે મોડી સાંજે બીએસએફ (BSF) હેડક્વાર્ટરની બહાર થયેલા એક ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. રાત્રે અંદાજે 8:15 કલાકે થયેલો આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના એક એકટિવા સ્કૂટીમાં થઈ હતી, જેના કારણે વાહનના  ફુરચા ઊડી ગયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ બાદ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસ, ફોરેન્સિક અને BSFના ઉચ્ચ અધિકારીઓએ વિસ્તારને સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સ્કૂટી ગુરપ્રીત નામના એક ફ્લિપકાર્ટ ડિલિવરી બોયની હતી. તે BSF હેડક્વાર્ટરની અંદર પાર્સલ આપવા ગયો હતો ત્યારે બહાર પાર્ક કરેલી તેની સ્કૂટીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળની નજીક શાકભાજી માર્કેટ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં ભીડ હતી, પરિણામે ધડાકા પછી નાસભાગ મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ વાહનની ખામીને કારણે થયેલો વિસ્ફોટ લાગતો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ એક સુનિયોજિત ગ્રેનેડ હુમલો હોઈ શકે છે અને સ્કૂટીમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ હવે આ ઘટના પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અને સ્થાનિક ગેંગસ્ટરોના નેટવર્કની તપાસ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. તપાસકર્તાઓ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ખંગાળી રહ્યા છે જેથી વિસ્ફોટકો કોણે અને કેવી રીતે પ્લાન્ટ કર્યા તે જાણી શકાય. 

ઉલ્લેખનીય છે કે પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્લાસ્ટની આ ત્રીજી મોટી ઘટના છે. આ અગાઉ ચંદીગઢમાં ભાજપ કાર્યાલયની બહાર અને પટિયાલાના શંભુ રેલવે ટ્રેક પર પણ વિસ્ફોટ થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં સતત બની રહેલી આવી ઘટનાઓએ પંજાબની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.