કૉર્પોરેટ દુનિયામાં, રાજનીતિમાં, સમાજમાં હોય કે પરિવારમાં સહુની વિરુદ્ધ દિશામાં જઈને આપણે સત્યનો સાથ આપીએ છીએ ત્યારે જીવનમાં એક અજીબ વળાંક આવે છે. બધું બરાબર ચાલતું હોય અને અચાનક તમને એવું લાગે કે હવે તમે એકલા પડી ગયા છો. તમારી સત્યની લડાઈમાં એકલાએ જ લડવાનું છે. ફ્રાન્સના જાણીતા વિચારક લેખક આલ્બર્ટ કામૂ સાવ સાચું કહે છે કે સત્ય સાથે જીવવું સમાજને સ્વીકાર્ય નથી. તમે સત્ય સાથે રહેશો તો સમાજ તમને રેઢો મૂકીને તમને જ સજા ફટકારશે...
જ્યૉર્જ ઓરેવલની પ્રસિદ્ધ કથા 1984માં સરસ વાત લખી છે: માણસ બે વિચારોને એક સાથે રાખીને ફરતો હોય છે. `ડબલ્થિંક' એટલે એક જ સમયે બે વિરુદ્ધ વિચારોને મનમાં રાખવા અને બંનેને સાચા માનવા. તે માત્ર ખોટું બોલવું નથી, પણ ખોટું બોલતી વખતે પોતે પણ ખોટી વાતને સાચી માને છે. `ડબલ્થિંક' એ માનવ મનને તોડવાનું સૌથી અસરકારક હથિયાર છે. તે વ્યક્તિને એવું શીખવે છે કે પોતાના સત્યને પણ નકારી નાખે. ઓરવેલ માનવજાતને ચેતવીને સમજાવે છે કે જો આપણે વિચારવાની સ્વતંત્રતા ગુમાવીશું તો આપણે એક દિવસ તૂટી જઈશું.
સત્યની લડતમાં બધા તમારી વિરુદ્ધ થઈ જાય છે. તમારા મિત્રો, સહકર્મીઓ, કદાચ તમારો પરિવાર પણ તમને કહેવા લાગે છે કે, આટલી બધી જિદ્દ શું કામ કરો છો? થોડું સમાધાન કરી લો! સત્યના માર્ગે ચાલવું એટલે `એકલો જાને રે'ની યાત્રા છે.
હકીકત એ છે કે સત્ય શું છે એ બધાને ખબર હોય છે. અન્યાય કોણ કરી રહ્યું છે, એ પણ બધા જાણે છે. પણ પોતાની નોકરી બચાવવા માટે, પોતાની સુખ-શાંતિ જાળવવા માટે લોકો ચૂપ રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે અવાજ ઉઠાવો છો ત્યારે લોકો તમને પાગલ કે બીજાઓ માટે મુશ્કેલી ઊભી કરનાર કહે છે. આ પીડા તે વ્યક્તિ જ અનુભવી શકે જેણે ક્યારેક સત્ય માટે પોતાનું બધું દાવ પર લગાવ્યું હોય.
જર્મન લેખક ફ્રાન્ઝ કાફ્કાની એક જાણીતી વાર્તા છે: `ધ ટ્રાયલ'. નવલકથાની શરૂઆત જ અજબ છે. તેમાં જોસેફ કે. નામનો એક સામાન્ય માણસ છે. એક દિવસ તેને પોલીસ પકડી જાય છે. તેને કહેવામાં આવે છે કે તે ગુનેગાર છે. બિચારો જોસેફ આખી જિંદગી એ શોધવામાં વિતાવે છે કે તેનો વાંક શું છે, પણ કોઈ તેને જવાબ આપતું નથી. આ વાર્તા આજે પણ એટલી જ સાચી છે. જે લોકો સત્ય માટે લડે છે, તેમને ઘણીવાર એવું જ લાગે છે કે જાણે તે કોઈ અજાણ્યા ગુના માટે સજા ભોગવી રહ્યા છે.
આપણે પણ જોયું હશે કે ઑફિસમાં જ્યારે કોઈ કર્મચારી સહુના ભલા માટે સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે ત્યારે બધા તેનાથી દૂર થઈ જાય છે. લોકો ડરે છે કે જો તેઓ આ વ્યક્તિને સપોર્ટ કરશે તો તેઓ પણ લપેટાઈ જશે. સમાજમાં, પરિવારમાં કે સંસ્થામાં આ જ વાત બને છે. જે સત્ય બોલે છે, તે આખી દુનિયાની સામે એકલો પડી જાય છે.
માણસજાતના આ ડર માટે ઘણાં સંશોધનો થયાં છે. મનોવિજ્ઞાન એવું માને છે કે માણસને ટોળામાં રહેવું ગમે છે. ટોળાની બહાર નીકળવાની તેને બીક લાગે છે. આપણે બધા એક જૂથનો ભાગ બનીને રહેવા માગીએ છીએ. જો તમે જૂથથી અલગ પડો તો તમને અસુરક્ષા લાગે છે. જે લોકો ખોટું કરી રહ્યા છે તેમને પણ અંદરથી ખબર હોય છે કે તે ખોટા છે, પણ આ વાત સ્વીકારવી તેમને અઘરી લાગે છે. તેથી, તે પોતાની જાતને સાચા સાબિત કરવા માટે તમને જ ખોટા ઠેરવે છે.
હકીકત એ છે કે તમે એ અરીસો છો જેમાં તેમને તેમનો અસલી ચહેરો દેખાય છે અને કોઈને પોતાનો ગંદો ચહેરો જોવો ગમતો નથી. લોકો અરીસાને એટલે કે તમને તોડવાનો પ્રયત્ન કરે છે. તે તમને પજવે છે, તમારી મજાક ઉડાવે છે, જેથી તમે ચૂપ થઈ જાવ અને તેમની દુનિયામાં બધું પહેલાં જેવું શાંત થઈ જાય.
પ્રશ્ન એ છે કે પરંતુ આવા સમયે શું કરવું જોઈએ? ચુપચાપ બેસી જવું જોઈએ? મેં એકલાએ થોડો ઠેકો લીધો છે એવું વિચારીને જે થવું હોય એ થશે હકીકત એ છે કે પહેલાં તો એકલતાને સ્વીકારી લો. જ્યારે તમે સમજી લો છો કે આ લડાઈ તમારે એકલા જ લડવાની છે ત્યારે માનસિક રીતે મજબૂત બની શકો છો. એકલતા એટલે હાર નહીં, પણ એકલતા એટલે પોતાની સાથે ફરીથી જોડાવાની તક. જ્યારે કોઈ તમારી સાથે નથી હોતું ત્યારે તમે તમારા અંતરાત્મા સાથે વાત કરી શકો છો.
હકીકત એ છે કે સત્યની લડાઈ લડતાં-લડતાં માણસ અંદરથી થાકી જાય છે, નિરાશ થઈ જાય છે. દિવસમાં થોડો સમય કાઢીને ધ્યાન કરો. તમારી લાગણીઓ કાગળ પર લખો. ઘણીવાર આપણે આપણા ગુસ્સા કે દુ:ખને બહાર કાઢતા નથી, તે અંદરને અંદર આપણને કોરી ખાય છે. લખવાથી હળવાશ અનુભવાય છે. સત્ય માટે લડતાં લડતાં તમે દશ્મન ન બની જાઓ તેનું ધ્યાન રાખવું. તમારી લડાઈ અન્યાય સામે છે, માણસ સામે નહીં. જ્યારે આ તફાવત સમજી જશો ત્યારે તમારા મનનો બોજ હળવો થઈ જશે.
કદાચ એવું લાગે કે તમે હારી ગયા છો, તમારી વાત કોઈ સાંભળતું નથી. ઇતિહાસ તપાસશો તો ખબર પડશે કે જેમને આપણે મહાન કહીએ છીએ, તે બધા પોતાના સમયમાં એકલા જ હતા. તેમને પણ લોકોએ પથ્થર માર્યા હતા, પાગલ પણ કહ્યા હતા. સમય જતાં સત્યનો વિજય થયો હતો.
તમારી આજની લડત કદાચ કોઈ ફળ ન આપે, પણ તે આવનારી પેઢીઓ માટે એક દીવાદાંડી છે. તમે એ રસ્તો બનાવી રહ્યા છો જેના પર કાલે બીજા લોકો સુરક્ષિત રીતે ચાલી શકશે. તમે એકલા નથી. ઇતિહાસના દરેક તે વ્યક્તિ તમારી સાથે છે જેણે ક્યારેક અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો.
એ ખ્યાલ રાખો કે તમે સુપરહીરો નથી. તમે પણ માણસ છો. તમને થાક લાગશે, તમને રડવું આવશે, તમને એમ થશે કે મારે શા માટે ભોગવવું? આ લાગણીઓ સ્વાભાવિક છે. તમને થાક લાગે તો થોડો વિરામ લઈ લો. સત્યના માર્ગે ચાલવા માટે માણસ સંપૂર્ણ હોવો જરૂરી નથી, બસ ટકી રહેવાની જરૂર છે.
જે દિવસે લોકો તમારી વાત સમજશે, તે દિવસની રાહ જોવી કદાચ લાંબી લાગે, પણ એ દિવસ ચોક્કસ આવશે. તમે જે કરી રહ્યા છો એ મહાન છે. આ દુનિયા કદાચ આજે તમને ન સમજે, પણ તમારી નૈતિક જીત ત્યારે જ થઈ જાય છે જ્યારે તમે તમારા સત્ય સાથે અડગ છો.
ધ એન્ડ
સત્ય માટે એકલા લડવું એ માનવીય અસ્તિત્વનું સૌથી ઉન્નત સ્વરૂપ છે. આ લડતમાં તમે એકલા નથી. તમારી સાથે સોક્રેટિસ છે, ગેલિલિયો છે, જોસેફ કે. છે, વિન્સ્ટન સ્મિથ છે, ગાંધી છે અને બીજા અસંખ્ય અજાણ્યા યોદ્ધાઓ પણ છે.