Wed Jun 17 2026

Logo

આપણે પૈસાના દાસ છીએ- સ્વામી છીએ કે ઉપાસક?

2026-06-16 07:19:00
Author: Gaurav Mashroowala
Article Image

ગૌરવ મશરૂવાળા

આપણે જ્યારે કોઈકને માટે કામ કરીએ છીએ ત્યારે આપણે એના નોકર છીએ અને એ આપણો શેઠ. આ જ સિદ્ધાંત પૈસાને પણ લાગુ પડે છે. જ્યારે આપણે ‘પૈસા માટે’ કામ કરીએ છીએ ત્યારે પૈસો માલિક બની જાય છે અને આપણે એના ગુલામ.

શરૂઆતનાં વર્ષોમાં આપણામાંના મોટા ભાગના લોકો ‘પૈસા માટે’ કામ કરતા હોય છે. અન્ન, વસ્ત્ર, આવાસ, ભણતર, આરોગ્ય વગેરે જરૂરિયાતો પૂરી કરવા માટે આપણને પૈસાની જરૂર પડે છે. જીવનમાં ઠરીઠામ થવાનાં એ વર્ષોમાં આપણામાંના મોટા ભાગના લોકો પૈસાની ‘ગુલામી’ કરે છે.

મૂળભૂત જરૂરિયાત અને ભૌતિકવાદ વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. ધીમે ધીમે આપણી મૂડી વધતી જશે. થોડા સમય પછી મૂડી વળતર આપવાનું શરૂ કરશે. હવે સંપત્તિ ‘આપણા માટે’ કામ કરવાનું શરૂ કરે છે. હવે આપણે સંપત્તિના માલિક છીએ અને તે આપણી દાસ. સાથે સાથે આ સિદ્ધાંત પણ યાદ રાખજો: પૈસા એ છે જે આપણે કમાવા પડે છે, સંપત્તિ એ છે જેના આપણે માલિક છીએ.

જેટલા જલદી આપણે સાદગી અને સંતોષ સાથે જીવવાનું શરૂ કરીશું એટલા જલદી સંપત્તિના સ્વામી બની શકીશું.

કોઈ પણ પ્રકારનું બંધન કે ગુલામી માનસિક તાણ પેદા કરે છે. આપણા પરિવાર અને મિત્રવર્તુળમાં કેટલાયને તેમના વ્યવસાયને કારણે તાણ અનુભવતા જોઈએ છીએ. તે એટલા માટે કે તેઓ ‘પૈસા માટે’ કામ કરે છે, મજૂરી કરે છે. આપણામાં એક કહેવત છે ને કે ‘સંતોષી નર સુદા સુખી.’ જો સંતોષ હશે તો શાંતિ મળશે.

ગુલામીના ભાર અને માલિકીના આનંદ પછી ત્રીજો તબક્કો આવે છે. આ તબક્કો છે પરમાનંદનો. જો આપણે આપણાં શાસ્ત્રોને અનુસરીને સંપત્તિની ઉપાસના કરીશું તો પરમાનંદની અનુભૂતિ જરૂર થશે.

સંપત્તિની આરાધના કરવી એટલે આપણી સંપત્તિને પરિવાર, સમાજ અને સૃષ્ટિ સાથે વહેંચવી. આપણી પાસે જે કંઈ છે તે સઘળું સમાજ અને સૃષ્ટિ પાસેથી મળેલું છે. આપણે જ્યારે સમાજ અને સૃષ્ટિનું આ ઋણ ચૂકવીએ છીએ ત્યારે હળવાશ અને નિરાંતનો અનુભવ કરીએ છીએ, વિશિષ્ટ પ્રકારનો ભાવનાત્મક આનંદ અનુભવીએ છીએ. સમાજનું ઋણ ચૂકવવું એટલે જેને પૈસાની જરૂર છે એવી લાયક વ્યક્તિઓને આર્થિક મદદ કરવી. ઈશ્ર્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આપણે અન્યો સાથે વહેંચવું જોઈએ. ખાસ કરીને જરૂરતમંદ લોકો સાથે.

જૂના જમાનામાં રાજા-મહારાજાઓ કલાકારો અને વિદ્વાન વ્યક્તિઓને રાજ્યાશ્રય આપતા, તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરતા. આ લોકો પાસે કળા અને કૌશલ્યો હતાં, પણ સંપત્તિ નહોતી. રાજા પાસે સંપત્તિ, પણ એની પાસે કદાચ આ વ્યક્તિઓ જેવી કલાનિપુણતા અને વિદ્વત્તા ન પણ હોય.

પ્રકૃતિનું ઋણ ચૂકવવું એટલે એને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું અને ધારો કે નુકસાન થઈ ચૂક્યું હોય તો તેને ભરપાઈ કરવા માટે આપણાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા.

આપણે ‘પૈસા માટે’ કામ કરતા હોઈએ એટલે કે પૈસાના દાસ હોઈએ અથવા તો પૈસા ‘આપણા માટે’ કામ કરતા હોય એટલે કે આપણે પૈસાના સ્વામી હોઈએ - આ બન્ને સ્થિતિમાં પણ આપણે લક્ષ્મીદેવીની આરાધના તો કરી જ શકીએ. એક વાતની તકેદારી રાખવી જોઈએ કે આપણા મનમાં સહેજ પણ અહંકાર ન આવવો જોઈએ. ઋણ ચૂકવવામાં તે અહંકાર કે દેખાડો શાનો?

જો આપણે ‘પૈસા માટે’ કામ કરીશું તો માનસિક તાણનો ભોગ બનીશું જ. જો આપણે લક્ષ્મીપતિ હોઈશું તો સુખ અને સંતોષ પામીશું, પણ જો આપણે લક્ષ્મીદેવીના ઉપાસક બનીશું તો પરમાનંદનો અનુભવ કરીશું.
આપણે ખુદ કઈ અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો જવાબ આંતરખોજ કરીને શોધી લેવો જોઈએ.    
                      
યોગિક વેલ્થ
વધારે કામ અને વધારે પૈસાનો મતલબ છે, જીવન માણવા માટે ઓછો સમય હોવો. ઓછું કામ અને ઓછા પૈસાનો મતલબ છે, જીવન માણવા માટે વધારે સમય હોવો. આપણે સૌએ પોતપોતાનું સંતુલનબિંદુ શોધી લેવાનું છે.