ભુજ: કચ્છના ઐતિહાસિક અંજાર શહેરના 18 માસના બાળકે પોતાની અસાધારણ યાદશક્તિ, તીવ્ર બુદ્ધિમત્તા અને ગ્રહણશક્તિના બળે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સમગ્ર કચ્છ અને દેશનું ગૌરવ વધાર્યું છે. અંજારના વેપારી વૈભવ શાહ અને દુલ્હારી શાહના પુત્ર ભાગ્યમે 'ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ' માં 'સુપર ટેલેન્ટેડ કિડ' તરીકે સ્થાન મેળવવાની સાથે 'વન ઈન અ મિલિયન' (10 લાખમાં એક)નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે.
પ્રથમ ક્રમે મળતા મોટી સફળતા
આ ઉપરાંત, તેણે ભારત સરકાર માન્ય રાષ્ટ્રીય સ્તરની 'યંગ અચીવર ઓલિમ્પિયાડ' સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો છે.. સ્પર્ધા દરમિયાન ભાગ્યમે વિવિધ ફળો, શાકભાજી, શરીરના અંગો અને પ્રાણીઓને ક્ષણવારમાં ઓળખી બતાવ્યા હતા.
ભાગયમના માતા દુલ્હારીબેને જણાવ્યુ હતું કે, બાળકના એક વર્ષના સમયથી જ તેને મોબાઈલ ફોનથી દૂર રાખીને વિવિધ ચિત્રપોથીઓ દ્વારા ઓનલાઈન માધ્યમની મદદથી તૈયારી કરાવાઈ હતી. મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બાળકના વિકાસમાં અવરોધરૂપ બને છે, તેના બદલે દરેક બાળકને સાચી દિશા અને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ અસાધારણ સિદ્ધિઓ મેળવી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. 'યંગ અચીવર ઓલિમ્પિયાડ' સ્પર્ધામાં બાળકોના ટેલેન્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે ખાસ પ્રકારની એક પ્રોસેસમાંથી પસાર થયા બાદ એના ભાગ લઈ શકાય છે.
શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું
મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો અતિરેક બાળકોના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. તેના બદલે બાળકોને યોગ્ય દિશા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ નાની ઉંમરે પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આજે સમાજમાં નાના બાળકોના હાથમાં પુસ્તકો કે રમકડાના બદલે જ્યારે મોબાઈલ જોવા મળે છે ત્યારે સવાલ એમના પર નહીં પણ માતા-પિતા પર થતા હોય છે. એવા સમયમાં બાળક સાથે એને અનુરૂપ વાતાવરણ પૂરુ પાડીને આ દંપતિએ ખરા અર્થમાં ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
ઉત્સવ વૈદ્ય