નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ અંગે ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા શાખા I4C એ "Android God Mode"નામના એક અદ્યતન માલવેર વિશે ચેતવણી આપી છે. આ માલવેર ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ તે ડિવાઈસનું સંપૂર્ણ ઍક્સેસ મેળવી લે છે. જે મોબાઈલ યુઝર્સના મેસેજ, ઇમેઇલ્સ, લોકેશન, બેંકિંગ એપ્લિકેશન્સ, ટ્રાન્ઝેક્શન અને અન્ય પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકે છે.
ગૃહ મંત્રાલયે આ માલવેર વિશે લોકોને ચેતવણી આપી
ગૃહ મંત્રાલયે આ માલવેર વિશે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે તે તેની ડિવાઇસ એકસેસ પરમિશનનો ઉપયોગ કરીને ડિવાઈસ પર અનધિકૃત નિયંત્રણ મેળવી શકે છે. I4C એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ નવા માલવેર અંગે ચેતવણી જાહેર કરી છે. તેમજ લોકોને તેનાથી બચાવવા માટે પગલાંની સલાહ આપી છે.
ગ્રાહક સપોર્ટ એપ્લિકેશનો જેવી એપ્લિકેશન તરીકે જોવા મળે છે
I4Cએ તેના X હેન્ડલ દ્વારા જણાવ્યું છે કે, વધતી જતી સાયબર ક્રાઇમ ઘટનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને "Android God Mode" તરીકે ઓળખાતા અદ્યતન એન્ડ્રોઇડ માલવેર સામે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) એ શોધી કાઢ્યું છે કે આ દૂષિત એપ્લિકેશનો SBI YONO,RTO ચલણ, જીવન પ્રમાણ પત્ર અને વિવિધ ગ્રાહક સપોર્ટ એપ્લિકેશનો જેવી એપ્લિકેશન તરીકે જોવા મળે છે. જેનાથી યુઝર્સ તેમને ઇન્સ્ટોલ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવે છે.