Tue Jul 28 2026

Logo

અમરાવતીમાં એસટી બસે રિક્ષાને અડફેટે લેતાં શાળાની વિદ્યાર્થિની સહિત ચાર જણનાં મૃત્યુ

2026-02-18 19:56:00
Author: Yogesh D. Patel
Article Image

અમરાવતી: અમરાવતી જિલ્લાના વરુડ તાલુકામાં એસટી બસે રિક્ષાને અડફેટમાં લેતાં શાળાની 13 વર્ષની વિદ્યાર્થિની સહિત ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ જણને ગંભીર ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

વરુડ-રાજુરા બજાર માર્ગ પર બુધવારે સવારના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલાઓની ઓળખ વાડેગાંવની વિદ્યાર્થિની માહી પ્રવીણ માંગૂળકર (13), રિક્ષાચાલક કૈલાસ નાગદેવે (42), ચિંતામણ સદાશિવરામ નાગદેવે (60) અને વઘાળના હરિભાઉ દૌલત શિંદે (80) તરીકે થઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા રાજકુમાર ભલાવી, મોહિની વનદેવ ભોરે અને પ્રતિભા લાડને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે માર્ગ પર થોડા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ એસટી બસ બુધવારે સવારે વરુડથી તળેગાંવ માર્ગે વર્ધા તરફ જઇ રહી હતી ત્યારે વરુડ-રાજુરા બજાર માર્ગ પર આવી રહેલી રિક્ષાને તેણે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં શાળાની વિદ્યાર્થિની તથા અન્ય પ્રવાસીઓ હાજર હતા. દરમિયાન અકસ્માતની જાણ થયા બાદ ગામવાસીઓ મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પોલીસે આ ઘટનાની નોંધ કરીને તપાસ આદરી હતી.