ગામવાસીઓ ભડક્યા: આરોપીને આશ્રય આપ્યાનો આરોપ કરી નગરસેવકની ઑફિસ પર પથ્થરમારો
થાણે: પ્રેમપ્રકરણની શંકા પરથી કરાયેલી મારપીટ પછી યુવકનું હૉસ્પિટલમાં મૃત્યુ થતાં અંબરનાથમાં તંગદિલી ફેલાઈ હતી. રોષે ભરાયેલા ગામવાસીઓએ આરોપીને આશ્રય આપવાનો આરોપ કરી સ્થાનિક નગરસેવકની ઑફિસ પર પથ્થરમારો કર્યો હતો. આરોપીની ધરપકડની માગણી સાથે સેંકડો લોકોએ પોલીસ સ્ટેશનમાં પણ ભારે હંગામો મચાવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ અંબરનાથ પૂર્વના પાલેગાંવ વિસ્તારમાં બુધવારે તંગદિલીભર્યું વાતાવરણ હતું. 23 જૂને ઓમ ખોરેની પાંચથી સાત જણે બેરહેમીથી પીટાઈ કરી હતી. ગંભીર અવસ્થામાં તેને મુંબઈની કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન બુધવારે ખોરેનું મૃત્યુ થતાં ગામવાસીઓ ભડક્યા હતા.
કહેવાય છે કે ખોરેને એક યુવતી સાથે પ્રેમ હોવાની શંકાને પગલે આ હુમલો થયો હતો. યુવતીના કાકાએ શંકાને આધારે આ હુમલો કરાવ્યાનું માનવામાં આવે છે. આ પ્રકરણે અંબરનાથની શિવાજી નગર પોલીસે શરૂઆતમાં ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી.જોકે ઓમ ખોરેના મૃત્યુના સમાચાર બુધવારે ફેલાતાં જ તેના પરિવારના સભ્યો, સગાંસંબંધી અને સેંકડો ગામવાસીઓ પોલીસ સ્ટેશને મોરચો લઈ ગયા હતા. માર્ગમાં આવેલી એક રાષ્ટ્રીય પક્ષના પાલેગાંવના નગરસેવકની ઑફિસ પર લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. પથ્થરમારો કરી ઑફિસની તોડફોડ કરવામાં આવી હતી.
ગામવાસીઓનો આક્રોશ જોઈ કાયદો અને સુવ્યવસ્થાની સ્થિતિ જાળવવા સંબંધિત વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ખોરેનાં સગાંએ આક્ષેપ કર્યો હતો કે નગરસેવકે જ હુમલાખોરોને આશ્રય આપ્યો હતો અને પોલીસ કાર્યવાહીથી બચાવ્યા હતા. જોકે નગરસેવકે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ઑફિસની તોડફોડ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની માગણી કરી હતી.
પોલીસ સ્ટેશને પહોંચેલા સેંકડો લોકોએ બધા આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી ખોરેના મૃતદેહને તાબામાં લેવાનો ઇનકાર કર્યો હતો. ઓમ ખોરેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હુમલામાં સંડોવાયેલા સાત જણનાં નામ પોલીસે આપવામાં આવ્યાં હોવા છતાં માત્ર પાંચ સામે જ કાર્યવાહી કરાઈ હતી.ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગોરેએ જણાવ્યું હતું કે પાંચ આરોપી સંદીપ ગવળી, રવિ પરમાર, નયન મડવી, સચિન પાટીલ અને રાજ દેસેકરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે અન્યોની શોધ ચાલુ છે. (પીટીઆઈ)