Tue Aug 25 2026

Logo

અલીબાગમાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં આરોપીને જનમટીપ

2026-02-24 20:41:00
Author: Yogesh C. Patel
અલીબાગમાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં આરોપીને જનમટીપ

મુંબઈ: અલીબાગમાં ગોળીબાર કરી યુવકની હત્યા અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચાડવાના 2019ના કેસમાં સેશન્સ કોર્ટે એક આરોપીને જનમટીપની સજા ફટકારી હતી, જ્યારે તેના સાથીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સેશન્સ કોર્ટે આરોપી સમીર ઉર્ફે લાલદેવ ચવ્હાણને હત્યાની કલમ હેઠળ આજીવન કારાવાસ અને પચીસ હજાર રૂપિયાનો દંડ, હત્યાના પ્રયાસ બદલ 10 વર્ષની સખત કેદ અને પચીસ હજાર રૂપિયાનો દંડ તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ બે વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

અલીબાગ પોલીસના જણાવ્યા મુજબ ઘટના 31 માર્ચ, 2019ની રાતે નવ વાગ્યાની આસપાસ અલીબાગના કુરુળ પરિસરમાં દત્ત ટેકડી ખાતે બની હતી. આરોપી રાજેન્દ્ર મગર અને તેના ભાઈ વચ્ચે વડીલોપાર્જિત મિલકતને લઈ વિવાદ હતો. આ વિવાદમાં બન્ને ભાઈ વચ્ચે વેરભાવ જન્મ્યો હતો.
ઘટનાની રાતે રાજેન્દ્રનો ભાઈ તેના મિત્રો સાગર પાટીલ અને ગૌરવ ભગત સાથે ઊભો હતો ત્યારે રાજેન્દ્ર મગર તેના સાથી નીલેશ વાઘમારે અને સમીર ચવ્હાણ સાથે ત્યાં આવ્યો હતો. તે સમયે સમીરે પિસ્તોલમાંથી સાગર પાટીલ અને ગૌરવ ભગત પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સાગરનું મૃત્યુ થયું હતું, જ્યારે ગૌરવ ગંભીર રીતે ઘવાયો હતો.

કોર્ટમાં સરકારી વકીલ સંતોષ પવારે ફરિયાદી પક્ષ વતી દલીલો કરી હતી. ખટલો ચાલતો હતો એ દરમિયાન આરોપી રાજેન્દ્ર મગરનું મૃત્યુ થતાં તેની સામેનો કેસ પડતો મુકાયો હતો. આરોપી નીલેશ વાઘમારેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો, જ્યારે સમીરને કોર્ટે સજા ફટકારી હતી.