Tue Jul 07 2026

Logo

ઈન્દ્રાયણી નદી બે કાંઠે વહેવા લાગતાં વારકરીઓને આળંદીમાં ન પ્રવેશવા વિનંતી

2026-07-06 20:58:17
Author: Yogesh C. Patel
Article Image

પુણે: ઈન્દ્રાયણી નદી બે કાંઠે વહેવા લાગતાં પુણે જિલ્લા વહીવટીતંત્રએ વારકરી અને શ્રદ્ધાળુઓને હાલમાં આળંદીમાં પ્રવેશવાનું ટાળવાની વિનંતી કરી હતી. સંત જ્ઞાનેશ્ર્વર મહારાજની પાલખી યાત્રા આળંદીમાં પ્રવેશે તે પહેલાં જ શહેરને જોડતાં ચારેય પુલ ઈન્દ્રાયણી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી આ નિર્ણય લેવાયો હતો.

પુણેમાં ભારે વરસાદની આગાહી સાથે વેધશાળાએ સોમવારે રેડ અલર્ટ જાહેર કર્યું હતું.

પાલખી યાત્રા સાથે આઠમી જુલાઈએ હજારો શ્રદ્ધાળુઓ આ મંદિર શહેરમાં આવે એવી અપેક્ષા છે. અધિકારીઓએ શહેરમાં હાલના સંજોગોમાં પ્રવેશવું યોગ્ય ન હોવાનું જાહેર કર્યું છે અને પૂરની સ્થિતિ વચ્ચે તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે જે વારકરીઓ અને શ્રદ્ધાળુઓ માર્ગમાં છે તેમને યાત્રા રોકી દેવાની તાકીદની અપીલ કરી છે.

વહીવટીતંત્રે એક યાદીમાં જણાવ્યું છે કે આળંદીમાં પ્રવેશવાના ચારેય પુલ ઈન્દ્રાયણી નદીમાં પૂરને કારણે પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે અત્યારે શહેરમાં મુસાફરી કરવી સુરક્ષિત નથી.

જે વારકરી અને ભક્તોએ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે તેમણે અત્યારે જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવાની વિનંતી કરવામાં આવી છે અને વધુ સૂચના મળે ત્યાં સુધી શહેરમાં પ્રવેશવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુંઓને નદીકિનારા, ઘાટ અને પૂરની સ્થિતિને કારણે બંધ કરવામાં આવેલા પુલોથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.

 (પીટીઆઈ)