Tue Sep 01 2026

Logo

હવે રેલવેએ ઉગામ્યો દંડોઃ 15 સ્થળો પર બેઝ કિચન અને કેટરિંગ સંસ્થાઓની કરી ઓચિંતી તપાસ, રૂ. 40 લાખનો દંડ વસૂલ્યો

2026-08-26 18:23:36
Author: Pooja Shah
હવે રેલવેએ ઉગામ્યો દંડોઃ 15 સ્થળો પર બેઝ કિચન અને કેટરિંગ સંસ્થાઓની કરી ઓચિંતી તપાસ, રૂ. 40 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદઃ દેશભરમાં અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લોકોને જાહેર સ્થળો પર કે બહાર મળતું ભોજન અથવા ખાદ્યસામગ્રી સ્વચ્છ મળી રહે તે માટે  સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારનો ખોરાક અને આરોગ્ય વિભાગોએ રીતસરની ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે હવે અમદાવાદ રેલવે મંડળના ફૂડ વિજિલન્સ ટીમના રેલવે અધિકારીઓની ટીમે પણ ઓચિંતું ચેકિંગ કર્યું હતું. 

મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ)  વેદ પ્રકાશ દ્વારા રચિત વિશેષ ટીમ રેલવે ફૂડ વિજિલન્સ ટીમના રેલવે અધિકારીઓની ટીમ દ્વારા ખોરાકનો પુરવઠો પૂરો પાડતા 15 સ્થળ પર બેઝ કિચન અને કેટરિંગ સંસ્થાઓની એકસાથે ઊંડાણપૂર્વક ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.  નિરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષા, સાફ-સફાઈ, સ્વચ્છતા અને ધોરણોમાં બેકાળજી દાખવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.  રેલવે વહીવટીતંત્રે આ અંગે કડક પગલાં લેતા દંડ કર્યો છે અને એક યુનિટને તો બંધ પણ કરાવવામાં આવ્યું હોવની માહિતી રેલવે મંડળે આપી હતી. 

ડબ્બા બજાર સરસપુર, અમદાવાદના બેઝ કિચનમાં ખુલ્લા અને સીલ વગરના મસાલા, ખરાબ શાકભાજી, ખરાબ ફ્રીઝરનો ઉપયોગ, એફઆઈએફઓ સિસ્ટમનું પાલન ન કરવું, અત્યંત અસ્વચ્છ કિચન, યોગ્ય યુનિફોર્મ અને સુરક્ષા ઉપકરણોનો અભાવ, ખાદ્ય સામગ્રી ખુલ્લામાં રાખવી તેમજ જરૂરી રેકોર્ડની જાળવણી ન કરવી જેવી ખામીઓ મળી આવી હતી. આના પર રૂ.5 લાખનો દંડ કરવામાં આવ્યો અને યુનિટને સ્થળ પર જ બંધ કરી દેવામાં આવ્યું.  

આવીજ રીતે ધર્મ નગર, સાબરમતી, અમદાવાદ બેઝ કિચનમાં ખરાબ ફ્લાયકેચર, સડેલા બટાકા, વોશિંગ લિક્વિડનો અભાવ અને ક્ષતિગ્રસ્ત ગટરની જાળી જેવી ખામીઓ મળી આવી અને રૂ.5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.     સરસપુર, અમદાવાદ બેઝ કિચનના મામલામાં બેઝ કિચનનો ઉપયોગ ન કરવા અને અન્ય સ્થળેથી ખોરાકની આપૂર્તિ કરવાની સ્થિતિ મળી આવી, જેના પર રૂ.5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

વિષ્ણુ એસ્ટેટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ બેઝ કિચનમાં સડેલા બટાકા, બેઝ કિચનમાં માખીઓની હાજરી, સ્વચ્છતાનો અભાવ, યોગ્ય એક્ઝોસ્ટ ડક્ટનો અભાવ, કાચીપાકી રોટલીઓ, ખુલ્લા અને સીલ વગરના મસાલા તેમજ રસોઈના તાપમાનનો રેકોર્ડ ન રાખવા જેવી ખામીઓ મળી આવી. આના પર રૂ.5 લાખનો દંડ કરવામાં આવ્યો. 

વોરા ના રોઝા, સરસપુર, અમદાવાદના બેઝ કિચનમાં મંજૂર થયેલ વેન્ડર લિસ્ટ અને એફઆઈએફઓ સિસ્ટમનો અભાવ, યોગ્ય વેન્ટિલેશનનો અભાવ, અસંતોષકારક સ્વચ્છતા અને એક્સપાયરી ડેટ વિતી ગયેલી ઘણી ખાદ્ય સામગ્રી સ્ટોકમાં લેવાયેલી જોવા મળી. આ ખામીઓને ધ્યાનમાં રાખીને રૂ.10 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ગાંધીધામ બેઝ કિચન, મહેસાણા બેઝ કિચન,     પાલનપુરના બેઝ કિચનમાં અને વિરમગામ ખાતે રિફ્રેશમેન્ટ રૂમના નિરીક્ષણમાં નિયમોનો ભંગ થતો દેખાતા રેલવેએ કડક પગલાં લીધા હતા.