Fri Sep 04 2026

Logo

મુંદરા-અમદાવાદ વચ્ચે 17 ઓગસ્ટથી હવાઈ સેવા શરૂ, ત્રણ દિવસ ઉડાન ભરશે

2026-08-07 15:24:00
Author: Chandrakant Kanoja
મુંદરા-અમદાવાદ વચ્ચે 17 ઓગસ્ટથી હવાઈ સેવા શરૂ, ત્રણ દિવસ ઉડાન ભરશે

મુંદરા: કચ્છના ઔદ્યોગિક હબ મુંદરા અને રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ વચ્ચે સીધું હવાઈ જોડાણ મજબૂત કરવા તરફ એક મહત્વનું કદમ ઉઠાવાયું છે. તાજેતરમાં જ શરૂ થયેલા મુંદરા અદાણી એરપોર્ટથી આગામી 17 મી ઓગસ્ટથી સીધી વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે.

સફર માત્ર ૫૦ મિનિટમાં જ પૂર્ણ કરી શકાશે

ખાનગી એરલાઇન સ્ટાર એર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેનાથી બિઝનેસ ટ્રાવેલર્સ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોનો સમય તથા શ્રમ બંને બચશે. રોડ માર્ગે અમદાવાદથી મુંદરા પહોંચતા સામાન્ય રીતે ૬ થી ૭ કલાક જેટલો સમય લાગે છે, પરંતુ હવે હવાઈ માર્ગે આ સફર માત્ર ૫૦ મિનિટમાં જ પૂર્ણ કરી શકાશે.

ફ્લાઇટ સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ ઓપરેટ થશે 

એરલાઇન દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ, આ ફ્લાઇટ સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થશે. વિમાન અમદાવાદથી સવારે ૬:૪૦ વાગ્યે ઊપડીને ૭:૩૦ વાગ્યે મુંદરા પહોંચશે. જ્યારે તે જ દિવસે મુંદરાથી સાંજે ૬:૪૦ વાગ્યે રવાના થઈને ૭:૩૦ વાગ્યે અમદાવાદ પરત ફરશે. સવાર-સાંજનું આ સમયપત્રક ખાસ કરીને બિઝનેસ કમ્યુટર્સને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવ્યું છે. 

એક તરફનું અંદાજિત ભાડું રૂ 3500 ની આસપાસ

જેથી અમદાવાદ કે મુંદરા કામકાજ અર્થે જતા લોકો પોતાનું કામ પતાવીને તે જ દિવસે સાંજે પરત ફરી શકશે.મુંદરા-અમદાવાદ રૂટ પર એક તરફનું અંદાજિત ભાડું રૂ 2500  થી રૂ 3500 ની આસપાસ રહેવાની શક્યતા છે અને તેના માટેનું બુકિંગ 'સ્ટાર એર'ની અધિકૃત વેબસાઈટ તથા અન્ય ઓનલાઈન પોર્ટલ્સ પરથી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. 

ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મુંદરા-અમદાવાદ વચ્ચે માત્ર 4 સીટર મર્યાદિત એર ટેક્સી ઉપલબ્ધ હતી. પરંતુ હવે 'સ્ટાર એર' દ્વારા મોટા વિમાનની સુવિધા શરૂ કરાતાં મુસાફરો માટે ગ્રાઉન્ડ કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. દેશના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ અને SEZ ધરાવતા મુંદરા માટે આ સેવા ઔદ્યોગિક, મેડિકલ અને પ્રવાસન ક્ષેત્રે અત્યંત મહત્વનું સાબિત થશે.

(ઉત્સવ વૈધ)