Thu Jun 25 2026

Logo

પત્રકારોને ધમકી આપનાર સંજય દિના પાટીલ પર ભડક્યા આદિત્ય ઠાકરે, માગ્યું રાજીનામું

2026-06-25 19:47:42
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: શિવસેના ઠાકરે જૂથમાંથી ચૂંટાયા બાદ તેમનો સાથ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયેલા ઉત્તર-પૂર્વ મુંબઈના સાંસદ સંજય દિના પાટીલ દ્વારા પત્રકારોને જાહેરમાં ગાળો આપવાનો વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ અત્યંત આક્રમક વલણ અપનાવતા સંજય દિના પાટીલને જાહેરમાં રાજીનામું આપવાનું ખુલ્લું આહ્વાન આપ્યું હતું.

થોડા દિવસો પહેલા જ ઠાકરે જૂથના નેતાઓને વળતો જવાબ આપતા સંજય દિના પાટીલે એવી બડાશ મારી હતી કે, 'જો કોઈ મારી આડે આવશે તો તેને હું કાં તો હોસ્પિટલ ભેગો કરી દઈશ અથવા તો સ્મશાન ભેગો કરી દઈશ. અમારા ખાનદાને ભૂતકાળમાં એક સમયે પાંચ લોકોના ખૂન કર્યા છે.' 

આ નિવેદન પર ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પોલીસ કમિશનરને પત્ર મોકલીને દિના પાટીલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે અને તેમની પુત્રી અને ઠાકરે જૂથની નગરસેવિકા રાજુલ પાટીલ વિશે પ્રશ્નો પૂછવા ગયેલા પત્રકારો સાથે સંજય પાટીલે અત્યંત ગેરવર્તન કર્યું હતું.

મીડિયાકર્મીઓ પર ગુસ્સે ભરાતા સંજય દિના પાટીલે કહ્યું કે, જો તમે ફરીથી અહીં આવ્યા તો હું તમને મારીને ભગાડીશ. આ વાત કેમેરામાં રેકોર્ડ કરી લો, તમે નકામી મારી સળી કરી રહ્યા છો, ફરી આવ્યા તો મારીને મોકલીશ. આ હું તમને પોલીસની સામે કહી રહ્યો છું, તમારે જે કરવું હોય તે કરી લો. 

પત્રકારો સાથેના આ ગેરવર્તન બાદ આદિત્ય ઠાકરેએ સંજય દિના પાટીલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "આ લોકો હવે 'મિંધે' પ્રતિનિધિ બની ગયા છે, લોકપ્રતિનિધિ રહ્યા નથી. 
ગાળો આપી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે. જો તમારામાં સહેજ પણ હિંમત અને શરમ હોય તો આજે જ સાંસદ પદેથી રાજીનામું આપો અને ભાજપ કે મિંધેના ચહેરા પર ચૂંટણી લડીને બતાવો" એવું ખુલ્લું આહ્વાન આદિત્ય ઠાકરેએ સંજય પાટીલને આપ્યું હતું.

આ મામલે ભાસ્કર જાધવે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના નેતાઓ એટલા બેફામ બન્યા છે કારણ કે સરકાર પોતાના ગુનેગારોને બચાવી રહી છે. પત્રકારોને જાહેરમાં મારવાની અને પોલીસ કમિશનરને બોલાવવાની ધમકી આપવાની હિંમત નેતાઓમાં ત્યારે જ આવે, જ્યારે તેમને ઉપરથી આશ્વાસન મળ્યું હોય કે 'સરકાર આપણી છે, કંઈ નહીં થાય. પોતાના જ પ્રધાનોને લોહીલુહાણ કરનાર અધિકારી સામે પણ આ સરકારે કોઈ પગલાં નથી લીધા. આ ઘટના સાબિત કરે છે કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પરથી સરકારનો કંટ્રોલ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.

શિવસેના (ઠાકરે જૂથ)ના નેતા સુનીલ રાઉતે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "સંજય દિના પાટીલનો વિષય અમારા માટે પૂરો થઈ ગયો છે. કોઈ કોઈને મારી શકતું નથી. તેઓ પોતે તો બે-બે ગાડીઓ કાફલામાં લઈને ફરે છે, તે વળી બીજાને શું મારવાના?

શિવસેના ઠાકરે જૂથના ફાયરબ્રાન્ડ નેતા સુષમા અંધારેએ કહ્યું કે, "આ બધી ગુન્ડાગીરી છે અને પૈસા તેમજ સત્તાનો અહંકાર છે. સંજય દિના પાટીલ અંદરથી ખૂબ ડરી ગયા છે. પૈસો ભલે આવી ગયો, પણ તેમણે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. નૈતિક જનાધાર ખતમ થઈ ગયા પછી હવે શું કરવું, એ પ્રશ્ન તેમને લાચાર બનાવી રહ્યો છે. પણ કમનસીબે, તેઓ પોતાનો ગુસ્સો પત્રકારો પર કાઢી રહ્યા છે.

એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "સંજય પાટીલ મૂળ ગરમ મગજના છે, તેઓ કોઈનું સાંભળતા નથી. તેમણે ક્યારેય સંઘર્ષ કે મુશ્કેલીઓ વેઠી નથી. તેથી હું મિત્રતાના નાતે એક સલાહ આપીશ કે આવા નિવેદનો તમારું રાજકારણ ખતમ કરી નાખશે. તેમણે જે કર્યું તે તદ્દન ખોટું છે.