ભુજ: કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી મુન્દ્રા બંદરે દેશના મેરીટાઈમ સેક્ટરમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરતા નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કર્યો છે. મુન્દ્રા બંદરે તાજેતરમાં જ ‘એમએસસી અમ્બ્રા’ નામના વિશાળ કન્ટેઈનર જહાજ પર ૨૧,૦૮૫ ટીઈયુ (કન્ટેઈનર માપદંડ)નું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને નવું સિમાચિહ્ન સર કર્યું છે. ભારતના કોઈપણ બંદર પર એક જ જહાજમાંથી આટલી મોટી માત્રામાં કન્ટેઈનર કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેણે દેશના અગ્રણી ખાનગી વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાનું આગવું સ્થાન બનાવ્યું છે.
વિશ્વના સૌથી મોટા માલવાહક જહાજોમાં સ્થાન ધરાવતું ‘એમએસસી અમ્બ્રા’ કદમાં ચાર ફૂટબોલ મેદાન જેટલું વિશાળ છે. આ મહાકાય જહાજની લંબાઈ ૪૦૦ મીટર અને પહોળાઈ ૬૧.૫૪ મીટર છે. તેનું અંદાજિત ૨,૫૬,૨૨૮ મેટ્રિક ટનનું ડિસ્પ્લેસમેન્ટ (વજન) આશરે ૪૨,૭૦૦ હાથીઓના કુલ વજન બરાબર હોવાનો અંદાજ છે. બંદર પર આગમન સમયે જહાજનો ડ્રાફ્ટ (પાણીમાં ઊંડાઈ) અંદાજે ૧૫.૧૦ મીટરથી વધુ હતો. આટલા પ્રચંડ કદ અને ઊંડા ડ્રાફ્ટ ધરાવતા જહાજને સુરક્ષિત રીતે લંગારવા અને ઓપરેશન નિર્વિઘ્ને પાર પાડવા માટે જરૂરી અત્યાધુનિક મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીપ-ડ્રાફ્ટ ક્ષમતા મુન્દ્રા બંદર ધરાવે છે, જે આ કામગીરીથી સાબિત થયું છે.
આ નવી સિદ્ધિએ જાન્યુઆરી ૨૦૨૪માં ‘એમએસસી લિવોર્નો’ જહાજ દ્વારા સ્થાપિત અગાઉના ૧૬,૫૬૯ ટીઈયુ હેન્ડલિંગના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અદાણી પોર્ટની ટીમે અગાઉના વિક્રમ કરતાં ૪,૫૧૬ ટીઈયુ વધુ હેન્ડલ કર્યા છે, જે કાર્યક્ષમતામાં ૨૬.૯ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ ઐતિહાસિક પ્રસંગે અદાણી પોર્ટ્સ મુન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, “એમએસસી અમ્બ્રા પર ૨૧,૦૮૫ ટીઈયુનું હેન્ડલિંગ મુન્દ્રા પોર્ટ અને દેશના મેરીટાઈમ સેક્ટર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ છે. અગાઉના રાષ્ટ્રીય વિક્રમ કરતાં ૪,૫૧૬ ટીઈયુ વધુ હેન્ડલિંગ કરવું એ અમારી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અત્યાધુનિક ટેક્નોલોજી અને મજબૂત ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રમાણ છે.”
તેમણે ઉમેર્યું કે આ સીમાચિહ્નરૂપ સફળતા મુન્દ્રા બંદર અને તમામ સહયોગી ટુકડીઓના સુવ્યવસ્થિત આયોજન, સુમેળભર્યા સંકલન તેમજ સલામતી અને શ્રેષ્ઠ સેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને આભારી છે. વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ જ્યારે વધુ વિશાળ જહાજો અને મોટા પાયે કાર્ગો એકત્રીકરણ (કોન્સોલિડેશન) તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મુન્દ્રા બંદર ભવિષ્યલક્ષી ક્ષમતાઓ વિકસાવવા અને ભારતને વૈશ્વિક વેપાર તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા કટિબદ્ધ છે. દેશના સતત વિકસી રહેલા કન્ટેઈનરાઇઝ્ડ કાર્ગો વેપાર માટે મુન્દ્રા પોર્ટ એક વ્યૂહાત્મક ગેટવે તરીકે ઉભરી આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉત્સવ વૈદ્ય