- હેન્રી શાસ્ત્રી
શબ્દકોશમાં મિયાં શબ્દનો અર્થ મુસલમાન ગૃહસ્થનું સંબોધન, મુસલમાનોમાં માનનો ઈલકાબ, મુસલમાન ગૃહસ્થ એવા અર્થ આપવામાં આવ્યા છે. જોકે, સામાન્ય બોલચાલમાં મિયાં શબ્દ ઠેકડીનો જાણે કે પર્યાય હોય એવું સામાન્યપણે વાંચવા - સાંભળવામાં આવે છે.
અગાઉની હિન્દી ફિલ્મોના અનેક સંવાદોમાં મિયાંનો ઉલ્લેખ ટીખળના ઉદ્દેશથી કરવામાં આવતો. હિન્દી ભાષાની કહેવતોમાં પણ મિયાંનો ઉલ્લેખ તીરછી નજરવાળો છે. ‘અપને મુંહ મિયાં મિઠ્ઠુ બનના’ એટલે પોતાની જ પ્રશંસા કરવી. 1960 - 70 કે 80ના દાયકામાં બાળપણની મોજ માણનારા જીવરામ જોષીના અમર પાત્ર ‘મિયાં ફૂસકી’થી ચોક્કસ પરિચિત હશે. મિયાં ફૂસકી એક લાક્ષણિક હાસ્યપ્રધાન પાત્ર છે. મિયાં ફૂસકીનાં કેટલાંક પરાક્રમો એવાં છે જે વાંચતી વખતે અને વાંચ્યા પછી જ્યારે પણ યાદ આવે ત્યારે મોજ કરાવે છે. મોઢું હસુ હસુ થયા વિના રહે નહીં. મિયાં ફૂસકીનો રમૂજી સ્વભાવ અને એમના વિદૂષકવેડા નિર્દોષ હાસ્ય પૂરું પાડે છે. ‘અમે કોણ? મિયાં ફૂસકી! સિપાઈ બચ્ચા !’ એમ કહેતા મિયાં અનેક પ્રકારની ડંફાસો મારી બાળકોને હસતાં રાખતા. મિયાં શબ્દ પરથી અનેક કહેવતોએ અને જૂજ કહેવત કથાઓએ જન્મ લીધો છે. જોકે, જીવરામ જોષીના હાસ્યપ્રધાન પાત્રને કારણે કે અન્ય કોઈ કારણસર કહેવતોમાં - રૂઢિપ્રયોગોમાં કે પછી કહેવતકથામાં મોટેભાગે મિયાં હાસ્યાસ્પદ અવસ્થામાં જ રજૂ થયા છે, એમની ઠેકડી ઉડાડવામાં આવી છે. જોકે, જીવરામ જોષીની કેટલીક કથાઓમાં મિયાં ભાઈની ચતુરાઈ પણ ડોકિયાં કરે છે. પણ ભાવકોના માનસપટ પર તો મિયાં ફૂસકી એટલે કોમિક પાત્ર એવી જ છબિ અંકિત થઈ છે એ હકીકત છે. મિયાં ભાઈની કહેવતો આ દલીલને સમર્થન આપે છે. મિયાં ક્યા કરતે હો? તો કહે કે ઘડી કી ફુરસત નહીં ઔર દમડી કી કમાઈ નહીં. અહીં મિયાંના બડાઈખોર સ્વભાવની વાત છે. નવરાશ નથી એમ કહે છે, પણ હકીકતમાં પાઈની પણ કમાણી નથી. આ વિરોધાભાસ હાસ્ય નીપજાવે છે. મિયાંના ડંફાસવાળા સ્વભાવની આ કહેવત બહુ જ જાણીતી છે કે મિયાં માંદા ને વળી તંગડી ઊંચી - મિયાં પડ્યા પણ તંગડી ઊંચી. અહીં પણ નર્યો ઉપહાસ છે. આવા જ ભાવાર્થની અન્ય કહેવતો પણ છે. મિયાંને સેવ્યાં ખાયાં - આજ સેવિયાં ખાઈ કહેવત કથામાં પણ મિયાંનો બડાઈ મારવાનો સ્વભાવ જ પ્રગટ થાય છે.
એક નગરમાં અનેક લોકો હળીમળીને રહેતા હતા. એમાં એક મિયાંભાઈ પણ હતા. સ્વભાવે હસમુખા, પણ બડાઈ મારવાનો, શેખી કરવાનો સ્વભાવ ખરો. આ સ્વભાવને કારણે નગરવાસીઓમાં અમુક વખતે હાંસીપાત્ર - હાસ્યાસ્પદ પણ ઠરતા. જોકે, તેમ છતાં આ સ્વભાવ છોડતા નહીં. હતા એકદમ મુફલિસ (ધનહીન - દેવાળિયો) પણ ભારે મરડાટવાળો (ગર્વિષ્ઠ, મિથ્યાભિમાની). કાયમ વટમાં રહે અને મૂછના આંકડાને વળ ચડાવી મૂછને તાવ દેતા ફરે. પણ એમાં એક સમસ્યા એ આવતી કે દરરોજ મૂછને વળ ચડાવવો કેવી રીતે? મૂછને વળ ચડાવવા તેલ જોઈએ અને તો જ મૂછો ભરાવદાર લાગે અને સડક પર ચાલતી વખતે વટ પડે.
કોઈ કામકાજ ન કરતા હોવાથી મિયાંના ઘરમાં હાલ્લાં ખખડે એવી અવસ્થા રહેતી અને જો બે ટંક ભોજનના ફાંફાં હોય તો મૂછે વળ ચડાવવા ઘરમાં અત્તર ફુલેલ (મોગરો, ચમેલી અથવા જાસ્મીનના ફૂલમાંથી બનતો સુગંધી પદાર્થનો અર્ક) તો ક્યાંથી હોય? પણ વળ ચડાવ્યા વિના તો ઘરની બહાર પગ ન મૂકાય. એટલે વખાના માર્યા ઘરની ઓસરીમાં રાખેલા કોડિયામાં આંગળી બોળી દિવેલ મૂછોમાં લગાડી વળ દઈ વટથી બહાર નીકળતા. કોઈ સૂંઘવા આવે તો ખબર પડે કે એ મૂછો પર અત્તર ફુલેલ નહીં પણ દિવેલ લગાડ્યું છે. એવું બને નહીં એટલે મિયાંભાઈનું ગાડું ગબડી જાતું હતું.
એક દિવસ અજાણતામાં ફજેતી થાય એવું બન્યું, પણ મિયાંભાઈએ ‘મિયાં પડ્યા તોય તંગડી ઊંચી’ કહેવતનો સાક્ષાત્કાર કરાવી દીધો. રોજની જેમ એક દિવસ દિવેલથી મૂછને વળ દઈને નીકળતા હતા ત્યારે જાણબહાર મૂછમાં વાટનો ટુકડો અટવાઈ ગયો. મિયાંભાઈ તો એમની તાનમાં રસ્તાની વચ્ચોવચ ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં મિત્ર મળ્યો. ઔપચારિક વાતચીત પછી મિત્રનું ધ્યાન મિયાંની મૂછમાં અટવાયેલા વાટના ટુકડા પર પડ્યું. લાગલો સવાલ કર્યો કે ‘આ મૂછમાં શું ભરાયું છે?’
મિયાંભાઈ સહેજ ચોંક્યા. તેમણે મૂછ પર હાથ ફેરવ્યો તો હાથમાં દિવેટ આવી. હવે મિત્ર આગળ જો કબૂલ કરે કે આ દિવેટ છે તો દિવેલ લગાડ્યું છે એવો ખ્યાલ આવી જાય ને નગરમાં ફજેતી થાય એ અલગ. એટલે વટમાં ને વટમાં કહી દીધું કે ‘આજ સેવિયાં (ઘઉંમાંથી બનતી પાતળી સેવ જે દૂરથી દિવેટ જેવી જ લાગે) ખાઈ થી તો મૂંછ મેં રેહ ગઈ.’ એટલું બોલીને સામી વ્યક્તિના મનમાં મૂછમાં ચોંટેલી વસ્તુ સેવિયાં જ છે એ પાકું કરાવવા દિવેટ ચાવી ગયા, બોલો. વટ રાખવા માણસ શું ન કરે?
ભાષા વૈભવ
ભાષાની લાક્ષણિકતા ક્યારેક જ્ઞાનમાં વધારો કરે તો ક્યારેક અચરજ પમાડે છે. આદત શબ્દ કાને પડતા ટેવ, સ્વભાવ કે ખાસિયત એ બે અર્થનું પહેલા થાય. એને તો આદત જ પડી છે મોડા આવવાની. રાતે મોડા જમી તરત સૂઈ જવાની આદત સારી નહીં. ખટાશ તમારી પ્રકૃતિને માફક નથી આવતી. આવા વાક્યો તમે અનેકવાર સાંભળ્યા હશે. જોકે, આ આદત લત, વ્યસન સ્વરૂપમાં હોય તો એ કુટેવ - જેને માટે ઘૃણા થાય એવી ખરાબ આદત બની જાય છે. દારૂની લતમાં એ બરબાદ થઈ ગયો. આ ટેવ, આદત, પ્રકૃતિ વગેરે રૂઢિપ્રયોગ - કહેવતોમાં ગજબના વણાઈ ગયા છે.
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં કહેવતથી ‘મુંબઈ સમાચાર’ના ભાષાપ્રેમી વાચકો વાકેફ હશે. આ કહેવત કવિ દલપતરામની જાણીતી પંક્તિ મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં પરથી બની છે. પટોળામાં જે ભાત હોય છે એ તાણાવાણાથી બને છે. એ ભાત ઉપરછલ્લી કે છાપેલી નથી હોતી. એટલે પોત ફાટ્યા વગર મીટે નહીં. ટૂંકમાં જે રંગ કે ભાત પટોળા પર છપાયેલ હોય તે લૂગડું ફાટી જાય તો પણ તેનો રંગ ઘસાઈને ઝાંખો પડતો નથી. આ કહેવતને માણસના સ્વભાવ સાથે સંબંધ છે. માણસનો સ્વભાવ, તેનામાં રહેલાં ગુણો જન્મજાત હોય છે. ખાનદાની ગુણો મર્યા પછી જ જાય બાકી પરાણે વિકસાવેલા અને કુદરતી ન હોય એવા ગુણો કસોટીના સમયે પરખાઈ જ જાય. લીમડામાંથી મધ ટપકતું નથી, કારણકે લીમડાનો ગુણધર્મ કડવાશ છે.
એમાંથી મધની આશા રાખવી વ્યર્થ છે. નીમ(લીમડો)ન મીઠા હોઈ, સીંચ ચાહે ગુડ ઔર ઘી સે, જાકો પડે સ્વભાવ, જાય નહીં જીતે જીસે. અર્થાત લીમડાને ગોળ-ઘીનું ખાતર આપવાથી એ ક્યારેય મીઠો ન થાય. એટલા માટે જ કહેવત પડી ગઈ છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાનાં. એ જ વાત આદત આઈ હૈ જાન કે સાથ જાયેગી ઔર જનાજે કે સાથમાં પણ વ્યક્ત થાય છે ને.
આ જ ભાવાર્થ ધરાવતી અન્ય કહેવત છે દોરડી બળે, પણ વળ ન મૂકે - સીંદરી બળે પણ વળ ન મૂકે. આ તો જાણતા જ હશો કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તો પણ વાંકી ને વાંકી જ રહે સીધી ન થાય. બંને કહેવતમાં પદાર્થ અને પ્રાણીની પ્રકૃતિ બદલાતી નથી એ વાત પર ભાર દેવામાં આવ્યો છે. પ્રકૃતિનો એક અર્થ સ્વભાવ સુધ્ધાં છે. સ્વભાવનું ઓસડ નહીં કહેવતમાં ઓસડ એટલે ઔષધ - દવા. સ્વભાવ બદલાય નહીં એ એનો ભાવાર્થ છે. એવી અન્ય બે કહેવત છે અખણ ગયા, દખણ ગયા પણ લખણ ન ગયાં. અખણ એટલે ઉત્તર દિશા અને દખણ એટલે દક્ષિણ દિશા. લખણ એટલે ટેવ. મતલબ કે ઉત્તર - દક્ષિણ ફરી આવ્યા પણ ટેવ ગઈ નહીં. ટાઢ જાય રૂએ અને ટેવ જાય મુએ કહેવતમાં રૂએ એટલે ગોદડી - ધાબળો, ઠંડીથી રક્ષણ આપતું સાધન. મુએ એટલે મર્યા પછી.
જીવતેજીવત ટેવ સુધરે નહીં એ જણાવાયું છે. દાદર જાય ચુને ને ટેવ જાય મુએ કહેવતમાં દાદર એટલે ચામડીનો રોગ જે ચૂનાનો અર્ક લગાડ્યા પછી જ દૂર થાય એમ મર્યા પછી જ ટેવ જાય એ કહેવાનો આશય છે. સાપ કાંચળી બદલે પણ ઝેર મૂકે નહીં અને વાંદરો સો વર્ષનો થાય પણ ઠેક (કૂદકો મારવાની કળા) ભૂલે નહીં કહેવતો પણ એ જ ભાવાર્થ ધરાવે છે. ચોપાયા નામના માત્રામેળ છંદમાં જણાવવામાં આવ્યું છે કે બાર કોસી ભાષા બદલે, તરૂવર બદલે શાખા, જાતે દહાડે કેશ બદલે, લખણ ન બદલે લાખા. બીજો ચોપાયા છે: કડવી વેલ કી કડવી તુમ્બડીઆં, અડસઠ તીર્થ ફિરકે આઈ, ગંગા નાહી ગોમતી નાહી, તો બી ના મીટી કડવાઈ.