Tue Sep 15 2026

Logo

સુરતમાં દેવું થતાં પાટીદાર યુવકે સૂતેલી માતાનું ગળું દબાવી પોતે પણ આપધાત કર્યો, શેરોમાં કેટલા ખોયા ?

2026-08-01 11:45:00
Author: Mumbai Samachar Team
સુરતમાં દેવું થતાં પાટીદાર યુવકે સૂતેલી માતાનું ગળું દબાવી પોતે પણ આપધાત કર્યો, શેરોમાં કેટલા ખોયા ?

Image Credit : The Times of India


સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સુરતના વરાછા એલ.એચ. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. શેરબજારના ભારે દેવામાં ડૂબેલા 36 વર્ષીય જતીન સોનાણી નામના યુવકે પોતાની માતાની હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ કરૂણાંતિકાથી પરિવાર અને પાડોશીઓ સ્તબ્ધ થઈ ગયા છે અને સમગ્ર શહેરમાં આ ચકચારી કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

દેવાના બોજાએ લીધો માતાનો ભોગ

પ્રાપ્ત માહિતી અનુસાર, જતીનને શેરબજારમાં 40 થી 50 લાખ રૂપિયાનું જંગી દેવું થઈ ગયું હતું, જેની ચિંતામાં તે સતત રહેતો હતો. આ ભારે આર્થિક સંકટ અને તણાવના કારણે તેણે આ પગલું ભરીને પહેલા પોતાની માતાનો ગળે ટૂંપો આપીને શ્વાસ રૂંધાવી દીધો હતો. માતાનું મોત નિપજાવ્યા બાદ પુત્ર જતીને પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો, જે વાત શુક્રવારે બપોરે ઘર ન ખૂલતાં સામે આવી હતી.

ઘરમાંથી એક પાનાની સુસાઇડ નોટ મળી

આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દત્તક પુત્ર બન્યો ભક્ષક, પોલીસે નોંધ્યો ગુનો

ઉલ્લેખનીય છે કે જતીન મૂળ નાના કાકાનો પુત્ર હતો, જેને માત્ર 6 મહિનાની નાની ઉંમરે જ ભાનુબેને દત્તક લઈને સગા પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. જે પુત્રને માતાએ ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો, તે જ પુત્ર તેનો ભક્ષક બનતા અશ્વિનીકુમાર પોલીસે જતીન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.