Mon Jun 08 2026

Logo

નાલાસોપારામાં 166 વિદેશીઓની અટકાયત: પોલીસ માટે ભોજન-દેખરેખનો ખર્ચ બન્યો માથાનો દુખાવો

2026-02-23 17:20:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: નાલાસોપારાના પ્રગતિનગર વિસ્તારમાં વિઝા પૂરા થયા પછી પણ ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકો પર મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે ફેબ્રુઆરીમાં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં આશરે ૨૪૦ નાગરિકોની પોલીસે અટકાયત કરી હતી. 

હવે આ જ કાર્યવાહી મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસના ખિસ્સા પર ભારે પડી રહી છે. ૨૪૦માંથી ૧૬૬ વિદેશી નાગરિકો અત્યારે પોલીસની કસ્ટડીમાં છે. આ નાગરિકોના જમવા અને દેખભાળનો ખર્ચ ઉઠાવવા માટે પોલીસને દરરોજ ૭૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે.

મુંબઈના દાદર સ્થિત ભોઈવાડામાં તૈયાર કરવામાં આવેલા નિર્વાસન કેન્દ્રમાં તેમને રાખવા પડી રહ્યા છે. વસઈ વિરાર પોલીસે જે નાગરિકોની અટકાયત કરી છે તેમાં નાઈજીરીયા, ઘાના, યુગાન્ડા અને તાંઝાનિયા જેવા આફ્રિકન દેશોના લોકોનો સમાવેશ થાય છે. તેમના દૈનિક આહારમાં ૩૫ કિલો ચિકન અને ૪૦ કિલો મટન, ૪૦૦ ઈંડા, બ્રેડ, પાવ, દૂધ અને ફળો, તેમજ ચોખા અને અન્ય અનાજનો સમાવેશ થાય છે, જે પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવે છે. 

આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે માત્ર તુળીંજ પોલીસ સ્ટેશન દ્વારા દરરોજ ૫૧,૮૦૦ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. વાલીવ, નાયગાંવ, વસઈ, આચોળે અને માણિકપુર પોલીસ સ્ટેશન દ્વારા નાસ્તા અને ચા માટે દરરોજ પ્રત્યેક દીઠ ૩,૦૦૦ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.

આ ખર્ચને પહોંચી વળવા માટે ડીસીપી કચેરી દ્વારા 'ઇન્ફોર્મર' એટલે કે ખબરીઓના કામ માટેના ફંડમાંથી નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, તેના કારણે પોલીસ પ્રશાસન પર માત્ર આર્થિક જ નહીં, પણ માનવબળનું પણ મોટું દબાણ આવી રહ્યું છે.

કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી વિદેશી નાગરિકોને ઘરે મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યાં સુધી માનવતાની દૃષ્ટિએ તેમને શ્રેષ્ઠ રહેવાની અને ખાવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમના મુસાફરી દસ્તાવેજો મળતાંની સાથે જ તેમનો દેશનિકાલ કરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.