Thu Jun 25 2026

Logo

પ્રાસંગિકઃ અણુસત્તા પર લગામ કોણ તાણશે?

2026-06-03 09:02:27
Author: અમૂલ દવે
Article Image

અમૂલ દવે

વર્ષ 2026માં વૈશ્વિક રાજકારણ એક એવા વળાંક પર આવીને ઊભું રહ્યું છે જ્યાં શાંતિની વાતો માત્ર કાગળ પર સીમિત લાગી રહી છે. તાજેતરમાં ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુખ્યાલય ખાતે યોજાયેલી 11મી એનપીટી (ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે અણુ બિનપ્રસાર સંધિ) રિવ્યુ કૉન્ફરન્સ કોઈ પણ પ્રકારની સર્વસંમતિ વિના નિષ્ફળ સમાપ્ત થઈ ગઈ, જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે મહાસત્તાઓ વચ્ચેનો ભરોસો હવે સાવ તળિયે બેસી ગયો છે. 

આ નિષ્ફળતા માત્ર એક રાજદ્વારી ઘટના નથી, પરંતુ તે પૃથ્વી પર તોળાઈ રહેલા એક એવા ભયાનક અણુ જોખમની ચેતવણી છે, જે સમગ્ર માનવ સભ્યતાનો પળવારમાં નષ્ટ કરી શકે છે. આજે અણુ શસ્ત્રોનું જોખમ એટલું વધી ગયું છે કે સાયન્ટિસ્ટોએ ‘ડૂમ્સડે ક્લોક’ના કાંટાને વિનાશની સાવ નજીક એટલે કે 85 થી 90 સેક્ધડ પર લાવી દીધા છે!

વિશ્વમાં અત્યારે સત્તાવાર અને બિનસત્તાવાર રીતે નવ દેશ પાસે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર છે. અમેરિકા અને રશિયા પાસે દુનિયાના સૌથી વધુ અણુ શસ્ત્રો છે. એક સમયે બંને દેશ વચ્ચે શસ્ત્રોના નિયંત્રણ માટે ‘ન્યુ સ્ટાર્ટ સંધિ’ અમલમાં હતી, પરંતુ હવે તેના અંત પછી બંને દેશ વચ્ચે ફરીથી એક નવી, અનિયંત્રિત અણુ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. આ સાથે જ ચીન પણ પોતાની અણુ ક્ષમતાઓ માં ગુપ્ત રીતે અને ઝડપથી વધારો કરી રહ્યું છે. 

ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા પશ્ચિમી દેશો પણ આ દોડમાં સામેલ છે, જ્યારે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન તેમજ મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા જેવા દેશો પોતાનાં શસ્ત્રોને વધુ આધુનિક બનાવી રહ્યા છે. આ પરિસ્થિતિ પૃથ્વી માટે અત્યંત ઘાતકી સાબિત થઈ શકે છે, કારણ કે આજનાં આધુનિક પરમાણુ શસ્ત્રો હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બ કરતાં હજારો ગણા વધુ શક્તિશાળી છે.

વૈશ્વિક સ્તરે પરમાણુ શસ્ત્રો મેળવવાની આંધળી દોડ હવે માત્ર જૂની અણુસત્તા પૂરતી સીમિત નથી રહી, પરંતુ નવા દેશો પણ આ ક્ષમતા મેળવવા માટે આતુર બન્યા છે. ઇરાનનો અણુ કાર્યક્રમ હવે એવા તબક્કે પહોંચી ગયો છે કે તે ગમે ત્યારે સત્તાવાર રીતે અણુ સંપન્ન દેશ બની શકે છે અને 11મી રિવ્યુ કોન્ફરન્સમાં પણ ઇરાનના આ પરમાણુ કાર્યક્રમ અને તેની સામેના સુરક્ષા પડકારો અંગે સર્જાયેલા મતભેદો જ સંધિની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ બન્યા હતા. 

ઇરાનની આ હિલચાલને કારણે મધ્ય પૂર્વમાં ભારે તનાવ છે અને સાઉદી અરેબિયાએ પણ ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે જો ઇરાન બોમ્બ બનાવશે, તો તે પણ પરમાણુ શસ્ત્રો મેળવશે. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને તુર્કી જેવા દેશ પાસે એવી ટેક્નોલોજી ઉપલબ્ધ છે કે તે બધા  ધારે ત્યારે ટૂંકા સમયમાં પરમાણુ શક્તિ બની શકે છે. આ ‘લેટન્ટ ન્યુક્લિયર સ્ટેટ્સ’ (સુષુપ્ત અણુ દેશો)ની વધતી સંખ્યા પૃથ્વી પર પરમાણુ અકસ્માત કે યુદ્ધ થવાની સંભાવનાને અનેક ગણી વધારી દે છે.

આજના આ સમયને વિશ્ર્લેષકો ‘થર્ડ ન્યુક્લિયર એજ’ (ત્રીજો પરમાણુ યુગ) કહી રહ્યા છે. આ યુગનું સૌથી મોટું જોખમ એ છે કે હવે દેશો નાના અને મર્યાદિત વિસ્તારમાં નુકસાન પહોંચાડતા ‘ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ’ એટલે કે નાનાં અણુ શસ્ત્રો બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. 

યુક્રેન સંઘર્ષ, તાઇવાનની કટોકટી અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા પ્રોક્સી યુદ્ધો એવા ફ્લેશ પોઇન્ટ છે, જ્યાં કોઈ પણ પક્ષ પોતાની હાર નિશ્ચિત જોઈને આવાં નાનાં અણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ભૂલ કરી શકે છે અને  ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધમાં એકવાર અણુ હુમલો થાય, પછી તેને રોકવો અશક્ય બની જાય છે અને તે મિસકેલ્ક્યુલેશન (ખોટી ગણતરી) અથવા જવાબી હુમલાની પરંપરામાં બદલાઈને મોટા વૈશ્વિક પરમાણુ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લે છે.

જો વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે અને તેમાં અણુ શસ્ત્રોનો ઉપયોગ થાય તો પૃથ્વી પર જે વિનાશ વેરશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. અણુ વિસ્ફોટોને કારણે કરોડો લોકો તો ત્વરિત મૃત્યુ પામશે, પરંતુ તેની અસર ત્યાં સમાપ્ત નહીં થાય. વૈજ્ઞાનિકોના મતે, મોટા પાયે થનારા અણુ યુદ્ધને કારણે જે અબજો ટન ધુમાડો અને રાખ વાતાવરણમાં ફેલાશે, તે સૂર્યના કિરણોને પૃથ્વી સુધી આવતા રોકી દેશે. 

આ સ્થિતિને ‘ન્યુક્લિયર વિન્ટર’ (પરમાણુ શિયાળો) કહેવામાં આવે છે. આના કારણે પૃથ્વીનું તાપમાન માઈનસમાં જતું રહેશે, વૈશ્વિક ખેતીવાડી સંપૂર્ણપણે નાશ પામશે અને અનાજની અછતને કારણે સમગ્ર પૃથ્વી પર અબજો લોકો ભૂખમરાથી મરી જશે. રેડિયેશનના કારણે આવનારી પેઢીઓ વિકલાંગ પેદા થશે અને પૃથ્વી પરથી માનવ જીવનનું અસ્તિત્વ જ જોખમમાં આવી જશે.

આ ભયાનક વાસ્તવિકતા વચ્ચે ‘મ્યુચ્યુઅલ અશ્યોર્ડ ડિસ્ટ્રક્શન’ (પરસ્પર ખાતરીપૂર્વકનો વિનાશ)નો સિદ્ધાંત જ અત્યાર સુધી દેશોને એકબીજા પર હુમલો કરતા રોકી રહ્યો છે, કારણ કે દરેક દેશ જાણે છે કે જો તે સામે વાળા પર પરમાણુ હુમલો કરશે તો વળતા હુમલામાં પોતે પણ બચી શકશે નહીં, પરંતુ આજના બદલાતા વૈશ્વિક સમીકરણો, આર્થિક યુદ્ધો, સપ્લાય ચેઇન પર નિયંત્રણ મેળવવાની હોડ અને નાટો, ક્વાડ તેમજ બ્રિક્સ+ જેવાં વિરોધી સંગઠનો વચ્ચેની ખાઈ એટલી વધી ગઈ છે કે કોઈ ટેક્નિકલ ખામી, અકસ્માત કે ખોટી ભ્રમણા પણ વિનાશનું કારણ બની શકે છે. 

11મી રિવ્યુ કોન્ફરન્સના પ્રમુખે પણ સ્વીકાર્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલ અત્યંત તનાવપૂર્ણ છે અને અણુ શસ્ત્રોનું જોખમ ચરમસીમાએ છે.
પૃથ્વીને આ અણુ જોખમમાંથી બચાવવા માટે હવે વૈશ્વિક સમુદાય પાસે સમય બહુ ઓછો બચ્યો છે. જૂની અણુ સંધિઓનું પુનર્જીવન અને શસ્ત્રોના આધુનિકીકરણ પર તાત્કાલિક રોક લગાવવી અનિવાર્ય છે. 

ભારત જેવા જવાબદાર અણુ દેશે હંમેશાં ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલા હુમલો ન કરવો) અને વિશ્વસનીય ન્યૂનતમ અવરોધની નીતિ અપનાવીને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વૈશ્વિક સ્તરે જ્યાં સુધી મહાસત્તા પોતાના અહંકાર અને સામ્રાજ્યવાદી નીતિ છોડીને ગંભીરતાથી પરમાણુ નિશસ્ત્રીકરણ તરફ આગળ નહીં વધે, ત્યાં સુધી આ પૃથ્વી સુરક્ષિત નથી. માનવતાને સર્વનાશથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિ, ખુલ્લો સંવાદ અને પરસ્પર વિશ્વાસનું પુન:નિર્માણ જ એકમાત્ર અને આખરી માર્ગ છે, અન્યથા આપણી આવી  સુંદર પૃથ્વી અણુ રાખના ઢગલામાં ફેરવાઈ જશે.