Thu Oct 15 2026

Logo

‘કૈસા હરાયા…’ના નિવેદનથી ચર્ચામાં આવેલી સહર શેખના પિતાને એકનાથ શિંદેની શિવસેનામાં મળી જવાબદારી પણ...

2026-10-15 19:26:37
Author: Mumbai Samachar Team
‘કૈસા હરાયા…’ના નિવેદનથી ચર્ચામાં આવેલી સહર શેખના પિતાને એકનાથ શિંદેની શિવસેનામાં મળી જવાબદારી પણ...

મુંબઈઃ મુંબ્રાનાં નગરસેવિકા સહર શેખના પિતા યુનુસ શેખને એકનાથ શિંદેની શિવસેના સાથે સંકળાયેલી ‘અખિલ ભારતીય કેબલ સેના’ના કલવા-મુંબ્રા વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, યુનુસ શેખે શિવસેનામાં જોડાયા હોવાની વાત નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમને સોંપવામાં આવેલી જવાબદારી તેમના કેબલ અને ઇન્ટરનેટના વ્યવસાય સાથે સંબંધિત છે.

થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૩૦માંથી એઆઈએમઆઈએમની ટિકિટ પર જીત મેળવનારી સહર શેખ પોતાના વિજય ભાષણને કારણે ચર્ચામાં આવી હતી. વિજયસભા દરમિયાન તેમણે વિરોધીઓને સંબોધીને ‘કૈસા હરાયા…’ એવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત, ભવિષ્યમાં આખા મુંબ્રાને લીલા રંગથી રંગવાની વાત પણ કરી હતી. તેમનાં આ નિવેદનોને કારણે રાજકીય વિવાદ ઊભો થયો હતો અને મહાયુતિના નેતાઓએ પણ તેની ટીકા કરી હતી.

યુનુસ શેખની નિમણૂકના પત્રમાં એકનાથ શિંદેના આશીર્વાદથી તેમને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સંસ્થા સાથે જોડાયેલા પત્રમાં શિવસેનાને મજબૂત બનાવવાની વાત પણ કરવામાં આવી છે. આ કારણે યુનુસ શેખની નવી જવાબદારીને રાજકીય દૃષ્ટિએ જોવામાં આવી રહી છે.

જોકે, યુનુસ શેખે આ ચર્ચાઓ વચ્ચે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તેઓ છેલ્લાં આશરે ૪૦ વર્ષથી કેબલ અને ઇન્ટરનેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના હિતમાં કામ કરવા માટે તેમને કલવા-મુંબ્રા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ શિવસેનામાં જોડાયા નથી અને તેમની નિમણૂકને પક્ષપ્રવેશ તરીકે જોવી જોઈએ નહીં.

યુનુસ શેખ અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના શરદચંદ્ર પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થક હતા. થાણે મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તેમણે પોતાની પુત્રી સહર શેખ માટે આ જૂથ પાસેથી ટિકિટ માગી હતી. 
જોકે, ટિકિટ નહીં મળતાં સહર શેખે એઆઈએમઆઈએમની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ વિજયસભામાં પિતા અને પુત્રીએ જિતેન્દ્ર આવ્હાડની ટીકા કરી હતી.

સહર શેખના વિજય ભાષણ બાદથી જ થાણેના રાજકારણમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું છે. હવે તેમના પિતાને એકનાથ શિંદેની શિવસેના સાથે સંકળાયેલી સંસ્થામાં જવાબદારી સોંપાતાં ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે, યુનુસ શેખે શિવસેનામાં જોડાવવાનો ઇનકાર કર્યો હોવાથી તેમની નવી નિમણૂકને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની બાકી છે.