મુંબઈ: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જેલર 2’ 15 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘જેલર’ની સફળતા બાદ તેની સિક્વલને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દર્શકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ચાહકોએ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે, તો કેટલાકે તેની વાર્તા અને ક્લાઇમેક્સ પર સવાલો ઉઠાવ્યા છે.
ફિલ્મમાં રજનીકાંત ફરી એકવાર ટાઈગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. દર્શકોએ તેમના દમદાર અભિનય, સ્ક્રીન પ્રેઝન્સ અને સ્ટાઈલિશ એક્શન સીનનાં વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ફિલ્મના પહેલા ભાગને મનોરંજક ગણાવ્યો છે. ખાસ કરીને રજનીકાંતની એન્ટ્રી, તેમના માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સીન અને ઈન્ટરવલ પહેલાંનો જબરદસ્ત ઘટનાક્રમ દર્શકોને પસંદ આવ્યો છે.
ફિલ્મના સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ પ્રશંસા થઈ રહી છે. દર્શકોના મતે, ફિલ્મના એક્શન સીન અને રજનીકાંતના દમદાર દૃશ્યોને સંગીત વધુ પ્રભાવશાળી બનાવે છે. આ ઉપરાંત દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારની ખાસ કોમેડી સ્ટાઇલ, વન-લાઇનર ડાયલોગ અને ફિલ્મના ઇન્ટરવલ બ્લોકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે, કેટલાક દર્શકોએ એવી ફરિયાદ કરી છે કે ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે અને વાર્તાને ગતિ પકડવામાં સમય લાગે છે.
ફિલ્મને લઈને તમામ પ્રતિક્રિયાઓ સકારાત્મક નથી. કેટલાક દર્શકોએ ફિલ્મના બીજા ભાગની ગતિ ધીમી હોવાની ફરિયાદ કરી છે. તેમના મતે, શરૂઆતમાં વાર્તા સારી રીતે આગળ વધે છે, પરંતુ બીજા ભાગમાં કેટલીક જગ્યાએ ફિલ્મની પકડ નબળી પડે છે. કેટલાકે ક્લાઈમેક્સને અપેક્ષા કરતાં નબળો ગણાવ્યો છે, જ્યારે અમુક દર્શકોએ વાર્તાની રજૂઆત અને લાંબા રનટાઇમની પણ ટીકા કરી છે.
‘જેલર 2’માં રજનીકાંત ઉપરાંત યોગી બાબુ જેવા કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મમાં અન્ય જાણીતા કલાકારોની હાજરી અને કેમિયો અંગે પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. કેટલાક દર્શકોને આ ખાસ દૃશ્યો પસંદ આવ્યા છે, જ્યારે કેટલાકના મતે તમામ કેમિયો વાર્તામાં અપેક્ષા મુજબ અસર ઊભી કરી શક્યા નથી. જોકે, શરૂઆતની પ્રતિક્રિયાઓ મિશ્ર હોવાથી ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે અને બોક્સ ઓફિસ પર તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.