Wed Oct 14 2026

Logo

નવરાત્રિમાં આજે પણ કેમ ગૂંજે છે 'ક્રાંતિ'નું આ ભજન? દિલીપ કુમાર અને મનોજ કુમારની આ બ્લોકબસ્ટર પાછળની આ સ્ટોરી જાણો છો...

2026-10-14 21:05:55
Author: Darshana Visaria
નવરાત્રિમાં આજે પણ કેમ ગૂંજે છે 'ક્રાંતિ'નું આ ભજન? દિલીપ કુમાર અને મનોજ કુમારની આ બ્લોકબસ્ટર પાછળની આ સ્ટોરી જાણો છો...

નવરાત્રિના પાવન અવસર પર ગરબા પંડાલો અને મંદિરોમાં અગણિત ભક્તિગીતો વાગતાં હોય છે, પરંતુ 1981માં આવેલી ઐતિહાસિક ફિલ્મ 'ક્રાંતિ'નું સદાબહાર ભજન 'દુર્ગા હૈ મેરી મા, અંબે હૈ મેરી મા' આજે પણ લોકોના રૂંવાડાં ઊભા કરી દે છે. ચાલો જાણીએ આ ગીત પાછળની સ્ટોરી વિસ્તારથી...

લક્ષ્મીકાંત-પ્યારેલાલનું કર્ણપ્રિય સંગીત, મહેન્દ્ર કપૂર અને મીનુ પુરુષોત્તમનો બુલંદ અવાજ તથા મનોજ કુમાર અને સંતોષ આનંદના પાવરફુલ શબ્દોએ આ ગીત 'દુર્ગા હૈ મેરી મા, અંબે હૈ મેરી મા'ને અમર બનાવી દીધું છે. જોકે આ ભવ્ય ગીત અને ફિલ્મ બનાવવા પાછળ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર મનોજ કુમારનો વર્ષોનો સંઘર્ષ અને પોતાની સંપત્તિ દાવ પર લગાવી દેવાનો ઇતિહાસ છુપાયેલો છે.

ફિલ્મ 'ક્રાંતિ'માં આ ગીત માત્ર પરંપરાગત પૂજા પૂરતું સીમિત નહોતું, પરંતુ દેશની ગુલામીની જંજીરો તોડવા માટે મા અંબા સમક્ષ માથું ટેકવીને શક્તિ માંગતી એક ભાવુક ક્ષણ હતી. ભારત માતા અને જગતજનની દુર્ગા માતાના આશીર્વાદ સાથે અંગ્રેજો સામે લડવાના સંકલ્પને આ ગીતમાં સુંદર રીતે વણી લેવામાં આવ્યો હતો.

1970 અને 80ના દાયકામાં મનોજ કુમારે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું. તેમણે દિલીપ કુમાર, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની અને પરવીન બાબી જેવા ટોચના કલાકારોને એકસાથે પડદા પર લાવ્યા. દરિયામાં વિશાળ જહાજોના દ્રશ્યો, તોપો, વિસ્ફોટો, હજારો જુનિયર આર્ટિસ્ટ્સ અને રિયલ લોકેશન જેવા સેટ્સ ઊભા કરવામાં ફિલ્મનું બજેટ ધારણા કરતાં અનેક ગણું વધી ગયું. પ્રોડક્શન હાઉસ પાસે પૈસા ખૂટી પડ્યા.

ફિલ્મ અટકી ન પડે તે માટે મનોજ કુમારે કોઈપણ ગુણવત્તા સાથે સમજૂતી કરવાને બદલે પોતાના અંગત બંગલા અને મોંઘી મિલકતો વેચી દીધી અને કેટલીક પ્રોપર્ટી ગિરવે મૂકીને ફંડ ઊભું કર્યું. 1981માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તેણે થિયેટર્સમાં સુનામી લાવી દીધી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ઐતિહાસિક ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ અને મનોજ કુમારનું તમામ દેવું ચૂકતે થઈ ગયું.

આજે ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવરાત્રિમાં જ્યારે પણ લાઉડસ્પીકર પર મહેન્દ્ર કપૂરના અવાજમાં 'દુર્ગા હૈ મેરી મા' ગૂંજે છે, ત્યારે ભક્તોમાં એક નવી ઊર્જા અને ભક્તિભાવનો સંચાર થાય છે. તમે પણ આ ગીત સાંભળ્યું છે કે નહીં એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો...