Wed Oct 14 2026

Logo

આકાશ દીપના ઇનસ્વિંગરને સમજી ન શકતાં પપ્પુ યાદવના પુત્રનું સ્ટમ્પ ઊડી ગયું...

2026-10-14 22:10:14
Author: Ajay Motiwala
આકાશ દીપના ઇનસ્વિંગરને સમજી ન શકતાં પપ્પુ યાદવના પુત્રનું સ્ટમ્પ ઊડી ગયું...

કલ્યાણીઃ બેંગાલે અહીં બુધવારે દિલ્હી સામે રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મૅચ નવ વિકેટે જીતી લીધી એ પહેલાં અને મૅચ પછી એક વિકેટની ખૂબ ચર્ચા હતી. આ વિકેટ સંસદસભ્ય પપ્પુ યાદવ (રાજેશ રંજન)ના પુત્ર સાર્થક રંજનની હતી.

બન્યું એવું કે બેંગાલે પ્રથમ દાવમાં 189 રનની તોતિંગ સરસાઈ લીધી ત્યાર બાદ એ બોજ ઉતારવા ઉપરાંત બેંગાલ (Bengal)ને મોટું લક્ષ્યાંક આપવાનું દિલ્હી (Delhi)ની ટીમના ખેલાડીઓને ટેન્શન હતું. જોકે ઓપનર સાર્થક રંજન સાવચેતીથી પોતાની ઇનિંગ્સ ડેવલપ કરી રહ્યો હતો એવામાં એક ઓવરનો ચોથો બૉલ જે સાર્થકનો 21મો બૉલ હતો એમાં બેંગાલનો પેસ બોલર આકાશ દીપ ત્રાટક્યો હતો અને તેને પૅવિલિયનમાં પાછો મોકલ્યો હતો.

દિલ્હીનો સ્કોર માંડ 15 રન હતો અને આકાશ દીપનો બૉલ ઑફ સ્ટમ્પની લાઇનની બહાર પડ્યો હતો, પણ ગતિથી અંદર આવ્યો હતો અને સાર્થક રંજનના સ્ટમ્પ પર વાગી હતી અને સ્ટમ્પ ઉખડી ગયું હતું. આકાશ દીપે એવો ઇનસ્વિંગર ફેંક્યો કે સાર્થક પાસે બચવાની કોઈ તક જ નહોતી.

બેંગાલ કેવી રીતે જીત્યું?

દિલ્હીના 240 રનના જવાબમાં બેંગાલે 429 રન કર્યા હતા. દિલ્હીની ટીમ પછીથી ફક્ત 277 રન બનાવી શકી અને બેંગાલે એક જ વિકેટે 89 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. બેંગાલના અભિષેક પોરેલ (149 રન ઉપરાંત ચાર કૅચ, એક સ્ટમ્પિંગ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. બેંગાલના મોહમ્મદ શમીએ આખી મૅચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી.

ગુજરાત અને બરોડાના પણ વિજય

(1) શ્રીનગરમાં વરસાદ અને નબળા પ્રકાશને કારણે મધ્ય પ્રદેશ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીર પરાજયથી બચી ગયું હતું. 326 રનના તોતિંગ લક્ષ્યાંક સામે જમ્મુ-કાશ્મીરની ટીમ 88 રનમાં સાત વિકેટ ગુમાવી ચૂકી હતી.
(2) અમદાવાદમાં ગુજરાતે 47 રનનો લક્ષ્યાંક મેળવીને ઓડિશા સામે 10 વિકેટે વિજય મેળવ્યો.
(3) પણજીમાં બરોડાએ ગોવા સામે એક દાવ અને 135 રનથી વિજય મેળવ્યો.
(4) રોહતકમાં હરિયાણાએ હિમાચલ પ્રદેશને સાત વિકેટે હરાવ્યું.
(5) જયપુરમાં રાજસ્થાનની તમિળનાડુ સામેની મૅચ ડ્રૉ રહેતાં 89 રનની સરસાઈ બદલ રાજસ્થાનને ત્રણ પૉઇન્ટ મળ્યા, જ્યારે તમિળનાડુના ભાગમાં એક જ પૉઇન્ટ આવ્યો.