Wed Oct 14 2026

Logo

પાર્થિવ પટેલે અરજી ન કરી એટલે આ હોદ્દા પર પ્રજ્ઞાન ઓઝાની નિયુક્તિ હવે નક્કી...

2026-10-14 18:41:32
Author: Ajay Motiwala
પાર્થિવ પટેલે અરજી ન કરી એટલે આ હોદ્દા પર પ્રજ્ઞાન ઓઝાની નિયુક્તિ હવે નક્કી...

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર તરીકે અજિત આગરકરની ચોથી ઑક્ટોબરે મુદત પૂરી થયા બાદ ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા (PRAGYAN OJHA)ને સિલેક્શન કમિટીનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે, પરંતુ સત્તાવાર ધોરણે આ હોદ્દા પરની નિયુક્તિ માટે પાર્થિવ પટેલે અરજી નથી કરી એટલે પ્રજ્ઞાન માટે માર્ગ સરળ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાર્થિવ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કોચિંગ સ્ટાફમાં છે તેમ જ કૉમેન્ટેટર પણ છે.

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ પણ પ્રજ્ઞાનની જેમ ચીફ સિલેક્ટર બનવા માટે અરજી કરવાનો હતો એવા અગાઉ અહેવાલો હતા. જોકે બુધવાર, 14મી ઑક્ટોબરની અંતિમ તારીખ સુધીમાં પાર્થિવની અરજી ન આવતાં પ્રજ્ઞાનની ચીફ સિલેક્ટર તરીકે નિમણૂંક નક્કી થઈ ગઈ છે. પીટીઆઇના અહેવાલ મુજબ પાર્થિવે સિલેક્શન (Selection)ને લગતી પ્રક્રિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે એવું પણ જણાવ્યું હતું કે `બીસીસીઆઇ આ હોદ્દા માટે અરજી કરવા વિશેની છેલ્લી તારીખ લંબાવશે કે નહીં એ તો ખબર નથી, પણ પાર્થિવે બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધીમાં અરજી નહોતી કરી. ડેડલાઇન લંબાવાશે અથવા તે (પાર્થિવ) નિર્ણય બદલશે તો પરિસ્થિતિમાં વળાંક જોવા મળી શકે.'

હાલમાં કમિટીમાં કોણ-કોણ છે?

વર્તમાન સિલેક્શન કમિટીમાં પ્રજ્ઞાન ઉપરાંત, અજય રાત્રા તેમ જ આર. પી. સિંહ અને શિવસુંદર દાસનો સમાવેશ છે. આ તમામમાં પ્રજ્ઞાન વધુ ટેસ્ટ મૅચ રમ્યો હોવાથી હમણાં તો તે જ ચીફ સિલેક્ટરપદે રહેશે.

પશ્ચિમ ઝોન માટે પોવાર, દીઘેના નામ

અજિત આગરકર ચીફ સિલેક્ટર હતો, પણ તે પશ્ચિમ ઝોનનું નેતૃત્વ કરતો હતો અને હવે સિલેક્શન કમિટીમાંથી તેની બાદબાકી થઈ ગઈ હોવાથી તેના સ્થાન માટે બે નામ બોલાય છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવાર અને ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર સમીર દીઘેમાં સૌથી મોટા બે દાવેદાર છે. બન્નેએ સિલેક્શન કમિટીના મેમ્બર બનવા અરજી કરી છે.