(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છેડા નગર સિગ્નલ પાસે બુધવારે સવારના એક વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં મોટરસાઈકલવાળાને બચાવવાના ચક્કરમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસે મારેલી બ્રેક બાદ ટેન્કર તેની સાથે જોશભેર અથડાયુંં હતું, જેમાં બેસ્ટની બસમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકો જખમી થયા હતા.બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ આ અકસ્માત બુધવારે સવારે લગભગ છ વાગ્યે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છેડા નગર સિગ્નલ પાસે થયો હતો.
બેસ્ટની ‘વેટ-લીઝ’ (ભાડાની) બસ મુલુંડના વૈશાલી નગરથી માહુલ તરફ જઈ રહી હતી ત્યારે બસ છેડા નગર સિગ્નલ પર પહોંચી જ હતી ત્યારે એક મોટરસાઈકલ સવાર અચાનક બસની સામે આવી ગયો હતો, જેના કારણે બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારવી પડી. ડ્રાઈવર ફરીથી બસ શરૂ કરે તે પહેલાં જ મુંબઈથી નવી મુંબઈના વાશી તરફ જઈ રહેલું એક ટેન્કર બસની જમણી બાજુના મધ્ય ભાગ સાથે જોશભેર અથડાયું હતું.
બેસ્ટના જણાવ્યા મુજબ ટેન્કર અને બસની અથડામણની તીવ્રતાને કારણે બસની જમણી બાજુની બારીના ત્રણ કાચ તૂટી ગયા હતા અને કાચના ટુકડા વાગવાથી ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જખમીઓમાં ૧૪ વર્ષની ભાગ્યશ્રી ખેડકર, બાવીસ વર્ષની અદિતી કોયંડે જખમી થયા હતા અને તેમને લોહી નીકળ્યું હતું. બસના કંડક્ટરે બંનેને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જેમાં ભાગ્યશ્રીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જયારે અદિતની જમણા હાથની કોણીમાં ફ્રેકચર આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અન્ય બે જખમીઓમાં સામાન્ય ઈજાઓ માટે ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે બીજાને તેના પરિવારજનો દ્વારા ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ માટે બંને વાહનોને તિલક નગર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.તાજેતરના સમયમાં શહેરમાં બેસ્ટની બસો સંકળાયેલી હોય તેવા અનેક અકસ્માતો બન્યા છે. ૧૪ સપ્ટેમ્બરના રોજ ગોરેગામમાં એક કારની સાથે અથડાયા બાદ બાદ બેસ્ટની બસ મેટ્રો રેલના થાંભલા સાથે અથડાતાં બે લોકો જખમી થયા હતા. જુલાઈ મહિનામાં અંધેરી વિસ્તારમાં બેસ્ટની બસ ૧૪ વાહનો સાથે અથડાઈ હતી, જેમાં આઠ લોકો જખમી થયા હતા.