પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણે નજીક તળેગાંવ ખાતે ‘એનર્જી ઈન મોશન’ના ઈલેક્ટ્રિક ટ્રક અને બેટરી એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે જણાવ્યું હતું કે દેશમાં ૫૦ ટકા વાહનો ઈલેક્ટ્રિક થઈ જાય તો ડૉલર સામે રૂપિયો રૂ. ૨૦ સુધી મજબૂત થઈ શકે છે. ઈલેક્ટ્રિક મોબિલિટીથી પ્રદૂષણ ઘટાડવાની સાથે પરિવહન ખર્ચ અને પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા પણ ઘટી શકે છે. આજે પુણે નજીક તળેગાંવમાં ‘એનર્જી ઈન મોશન’ના ઈલેક્ટ્રિક ટ્રક ઉત્પાદન અને બેટરી એસેમ્બલી પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે, હાલમાં વપરાતા ઇંધણના 50 ટકા હિસ્સાનું સ્થાન વીજળી લે અને દેશના વાહન તથા પરિવહન ક્ષેત્રમાં ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધે તો ડૉલરના વિનિમય દર પર પણ નોંધપાત્ર અસર પડી શકે છે. ઈલેક્ટ્રિક વાહનોનો આર્થિક લાભ માત્ર ઇંધણની બચત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમણે દેશની બેટરી ઉત્પાદન ક્ષમતા વધારવા અને વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ફડણવીસે ‘એનર્જી ઈન મોશન’ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નરેન્દ્ર મુરકુંબી તથા સહ-સ્થાપક ધ્રુવ કોટકને ટૂંકા સમયમાં ઉત્પાદન એકમ સ્થાપવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. કંપનીએ 29 ઑગસ્ટ, 2025ના મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા હતા અને ત્યાર બાદ ઝડપથી પ્લાન્ટ સ્થાપ્યો હતો.
રોકાણ માટે કરવામાં આવતા સમજૂતી કરારોના અમલીકરણ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલોના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, 'અમે સમજૂતી કરારો કરીએ છીએ અને તે ‘એનર્જી ઈન મોશન’ જેવા પ્રોજેક્ટમાં સાકાર થાય છે.' આ કાર્યક્રમમાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર, નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર અને એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક ટ્રકનો ઉપયોગ પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશમાં ઘટાડો થવાથી પરિવહન ક્ષેત્રના ખર્ચમાં રાહત મળી શકે છે. ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ પણ વધારી શકાય છે.
પ્લાન્ટમાં પ્રદર્શિત ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક ટ્રકની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે વાહન ચલાવવાનો અનુભવ વધુ સરળ બને, ડ્રાઈવરોનો થાક ઘટે અને માર્ગ સલામતીમાં સુધારો થાય.
ઈલેક્ટ્રિક ટ્રક માટે વિકસાવવામાં આવતી બેટરી સ્વેપિંગ સિસ્ટમને તેમણે મહત્વપૂર્ણ ટેક્નોલોજી ગણાવી હતી. આ વ્યવસ્થામાં ડિસ્ચાર્જ થયેલી બેટરીને ચાર્જ થયેલી બેટરીથી બદલી શકાશે અને નિયુક્ત બેટરી સ્વેપિંગ સ્ટેશનો પર આ પ્રક્રિયા આશરે ચાર મિનિટમાં પૂર્ણ થઈ શકશે.
પરિવહન કોરિડોર પર આવા સ્ટેશનો ઊભા કરવાથી ટ્રકને ચાર્જિંગ માટે લાંબો સમય રોકવાની જરૂરિયાત ઘટશે. આ ઉપરાંત, કંપની સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ ટ્રકો માટે એવી બેટરી વિકસાવવાની દિશામાં પણ કામ કરી રહી છે, જેને આશરે 20 મિનિટમાં ચાર્જ કરી શકાય.
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ભારતે પોતાની બેટરી ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવાની સાથે સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવી જરૂરી છે. ચીન બેટરી ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર છે, પરંતુ ભારતમાં પણ નોંધપાત્ર નવીનતા થઈ રહી છે.
યોગ્ય ઔદ્યોગિક માળખું અને ટેક્નોલોજી વિકસે તો દેશમાં કાર્યક્ષમ અને સંપૂર્ણપણે સ્વદેશી બેટરીનું ઉત્પાદન શક્ય બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી બે-ત્રણ વર્ષમાં ‘એનર્જી ઈન મોશન’ સ્થાનિક ઉત્પાદન અને નવીનતા ક્ષેત્રે વધુ વિસ્તરણ કરશે.
મહારાષ્ટ્ર સરકાર કંપનીને ચાર્જિંગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગ સ્ટેશનો સ્થાપવામાં સહયોગ આપશે, તેવી ખાતરી પણ મુખ્ય પ્રધાને આપી હતી. આ માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવા અને વીજળી સહિતનાં આવશ્યક જોડાણો મેળવવામાં સરકાર મદદ કરશે.
ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવા માટે ઉત્પાદન, બેટરી ટેક્નોલોજી અને ચાર્જિંગ માળખાનું મજબૂતીકરણ જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. સરકારના સહયોગથી ઈલેક્ટ્રિક ટ્રક ક્ષેત્રમાં રોકાણ વધવાની અને દેશમાં સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.