મુંબઈઃ ૨૫ ઓક્ટોબરથી માર્ચના અંત સુધી ચાલનારા શિયાળુ સમયપત્રક (વિન્ટર શેડ્યૂલ) દરમિયાન એરપોર્ટ કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ (ટાઇમ સ્લોટ)માં ઘટાડો કરશે નહીં, એમ મુંબઈ એરપોર્ટના સંચાલકે જણાવ્યું હતું.
આ સમય દરમિયાન મુંબઈ એરપોર્ટ પર આવતી કે ત્યાં જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં જેમણે બુકિંગ કરાવ્યું છે તેઓ હવે નિશ્ચિંત રહી શકે છે; તેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે નહીં કે નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવામાં આવશે નહીં.
આ નિર્ણયથી મુંબઈ એરપોર્ટ ઓપરેટરની આ શિયાળામાં આંતરરાષ્ટ્રીય પ્રસ્થાનોમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાની યોજના હાલ પૂરતી મુલત્વી રહેશે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઇન્સે ટી1 ના પુનઃવિકાસને ટેકો આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેમાં ઉનાળાના સમયપત્રકથી "ટ્રાફિક સંતુલન" શરૂ થશે.
ઉનાળાનું સમયપત્રક આવતા વર્ષે 27 માર્ચથી 31 ઓક્ટોબર સુધી ચાલશે, તેથી ઉનાળામાં મુંબઈ એરપોર્ટથી ઉપડવા/આવવા માટે નિર્ધારિત કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી શકાય છે અથવા નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવામાં આવી શકે છે.
ટી1 ના તબક્કાવાર પુનર્વિકાસની શરૂઆત ૧૫ જાન્યુઆરીથી થવાની હતી, જેમાં ટર્મિનલ બિલ્ડિંગનો ત્રીજો ભાગ તોડી પાડવાનો હતો; આનાથી વાર્ષિક ૫૦ લાખ (૫ મિલિયન) સ્થાનિક મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડત.
એરલાઇન્સના વિરોધ બાદ મંત્રાલયે ૩ ઓક્ટોબરે સંબંધિત પક્ષોની બેઠક બોલાવી, એમઆઇએએલની ૨૬ ઓક્ટોબરની સમયમર્યાદા મુલતવી રાખી અને બંને પક્ષોને ફરીથી વાટાઘાટો કરવા માટે કહ્યું હતું.