દીવ: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી વિસ્તારમાં મોડી સાંજે એક જ પરિવારનાં બે માસૂમ બાળકોનાં અચાનક મોતની કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 4 વર્ષીય અયાંશ ભાવ્યેશ સોલંકી અને 7 વર્ષીય કાનિશા ભાવ્યેશ સોલંકીનાં મોતથી માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. બંને બાળકોનાં મોત કયા કારણોસર થયાં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. સાઉદ વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારનાં બંને બાળકોનાં અચાનક મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો. પોતાના લાડકવાયાં સંતાનોને અચાનક શું થયું અને બંનેનાં મોત કેવી રીતે થયાં તેવા સવાલો વચ્ચે માતા-પિતાની વેદનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સૌની નજર
આ ઘટનાની જાણ થતાં બંને બાળકોનાં મૃતદેહને દીવની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા તબીબો દ્વારા વિશેરાનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોનાં મૃત્યુ પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાના પગલે મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના અગ્રણીઓ પણ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતા. બે માસૂમ બાળકોનાં એકસાથે થયેલા અચાનક મૃત્યુથી સમગ્ર દીવ વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. બંને બાળકોનાં મોતનું ચોક્કસ કારણ તો પોસ્ટમોર્ટમ તથા વિશેરાના રિપોર્ટ પર સૌની નજર મંડાયેલી છે.