Thu Oct 15 2026

Logo

વર્સોવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું કામ ૮૦ ટકા પૂર્ણ...

2026-10-14 22:57:53
Author: Sapna Desai
વર્સોવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું કામ ૮૦ ટકા પૂર્ણ...

માર્ચ ૨૦૨૭માં સુધીમાં કામ પૂર્ણ નહીં કર્યું તો  દંડાત્મક પગલાં લેવાની કૉન્ટ્રેક્ટરને ચીમકી...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણનું રક્ષણ કરવા અને મુંબઈમાં દરિયાકાંઠાના પાણીની ગુણવત્તા સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વેસાવે (વર્સોવા)માં બાંધવામાં આવી રહેલા સ્યુએજ  ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ હાલ ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. માર્ચ ૨૦૨૭ સુધીની નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ નહીં કર્યું તો કૉન્ટ્રેક્ટરની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પાલિકાએ આપી છે. 
આ પ્રોજેક્ટથી વર્સોવા, સમગ્ર અંધેરી,  જુહુ અને વિલે પાર્લે વિસ્તારોના નાગરિકોને ફાયદો થશે, સાથે જ વર્સોવા અને પશ્ર્ચિમ ઉપનગરના વિસ્તારોને લાગીને આવેલા  દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાને સુધારવામાં પણ મદદ મળશે.

વેસાવે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટનું લગભગ ૮૦ ટકા કામ થયું છે અને સમગ્ર પ્રોજેક્ટ ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે બુધવારે  પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે જરૂરિયાત મુજબ વધારાના માનવબળની નિમણૂક કરીને ત્રણ શિફ્ટમાં  કામ કરીને ઝડપથી પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ પ્રોજેક્ટના સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઍનિયરિંગ કામની સમીક્ષા કરી. તેમણે વિવિધ ટ્રીટમેન્ટ ટાંકીઓ, ઇનલેટ અને આઉટલેટ વ્યવસ્થાઓ, પંપ હાઉસ, સ્લજ ટ્રીટમેન્ટ યુનિટ, આંતરિક પાઇપલાઇન અને સ્લજ પ્રક્રિયા યુનિટ માટે જરૂરી અન્ય સિવિલ કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. આ સાથે, તેમણે પંપ, એરેશન બ્લોઅર્સ, સ્ક્રીનીંગ અને સ્લજ ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ, વિવિધ મિકેનિકલ સાધનો અને પાઇપિંગના નિર્માણની પણ સમીક્ષા કરી હતી.


દરરોજ ૧૮૦ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા થશે
વર્સોવામાં આવેલા મીઠાના આગાર (લાગૂન)માં ઊભો કરવામાં આવી રહેલો પ્લાન્ટ  દરરોજ ૧૮૦ મિલ્યન લિટર સ્યુએજ (ગંદા પાણી)વોટરનું પ્રોસેસિંગ (પ્રક્રિયા)કરશે. પ્રોજેક્ટનું માળખાકીય કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગંદા પાણીમાંથી હાનિકારક ઘટકો અને પ્રદૂષકોને દૂર કરવા માટે આ પ્લાન્ટમાં સિક્વન્શિયલ બેચ રિએક્ટર (એસબીઆર)ની આધુનિક ટૅકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

..તો કૉન્ટ્રેક્ટર સામે દંડનીય કાર્યવાહી
સ્યુએજ વોટર પર દ્વિસ્તરીય (સેકેન્ડરી) પ્રક્રિયા કરવા માટે આવશ્યક રહેલી પ્રવાહી પ્રક્રિયા પ્રણાલી (લિક્વિડ લાઇન) ૩૧ ડિસેમ્બર, સુધીમાં  પૂરું કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.  તો સમગ્ર પ્રોજેક્ટ ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.  જો પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ નહીં થાય, તો સંબંધિત કૉન્ટ્રેક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પ્રોજેક્ટ સાઇટ પર દરરોજ લગભગ ૩૪૦ માનવબળ કામ કરી રહ્યું છે. પ્રોજેકટ પૂર્ણ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં માનવબળ વધારીને ૫૦૦ સુધીનું કરવામાં આવશે. 


સાત એસટીપી પ્લાન્ટ
નોંધનીય છે કે પાલિકા દ્વારા વરલી (૫૦૦ એમએલડી), બાન્દ્રા (૩૬૦ એમએલડી), મલાડ (૪૫૪ એમએલડી), ઘાટકોપર (૩૩૭ એમએલડી), ધારાવી (૪૧૮ એમએલડી), ભંડુપ (૨૧૫ એમએલડી) અને વર્સોવા (૧૮૦ એમએલડી) ખાતે સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની સંયુક્ત પ્રક્રિયા ક્ષમતા (ટ્રીટમેન્ટ કેપેસિટી) પ્રતિદિન ૨,૪૬૪ એમએલડીની છે. હાલ કાર્યરત એમએલડી  ક્ષમતા ધરાવતા કોલાબા એસટીપી સાથે મળીને  મુંબઈની કુલ સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધીને ૨,૫૦૧ એમએલડી થશે. લગભગ બે દાયકાથી અટકી પડેલા સાત એસટીપીને અપગ્રેડ કરવાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ મે ૨૦૨૨માં  ૨૭,૩૦૯.૮૩ કરોડ રૂપિયાના ખર્ચે સોંપવામાં આવ્યું હતું.