Wed Oct 14 2026

Logo

દિલ્હીના વિરોધ પ્રદર્શન મુદ્દે UNએ 'બળતામાં ઘી હોમ્યું': સરકાર લાલઘૂમ, આપ્યો જડબાતોડ 'જવાબ'

2026-10-14 21:01:56
Author: Mumbai Samachar Team
દિલ્હીના વિરોધ પ્રદર્શન મુદ્દે UNએ 'બળતામાં ઘી હોમ્યું': સરકાર લાલઘૂમ, આપ્યો જડબાતોડ 'જવાબ'

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનાના પડઘા વૈશ્વિક ફલક પર પડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના માનવાધિકાર કાર્યાલયે આ અંગે ટિપ્પણી કરી છે જેના પર દેશના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. ભારતે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ અયોગ્ય અને અસ્વીકાર્ય છે. 

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે ઉમેર્યું કે, આ ભારતનો આંતરિક મુદ્દો છે એમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જયસ્વાલે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના માનવા અધિકાર માટેના હાઈ કમિશનરની કચેરીનું વલણ તરફેણભર્યુ જણાય છે. વિશ્વના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનો અને કાયદા અમલીકરણ એજન્સીની કાર્યવાહી અંગેના જાહેર નિવેદનોમાં આ સંસ્થાએ સમાન અભિગમ અપનાવ્યો નથી.

લોકોનો વિશ્વાસ ઘટી જશે

અન્ય દેશમાં પણ વિરોધ પ્રદર્શન ચાલે છે પણ અહીંયા ભારતનું નામ આવ્યું છે. એમનું વલણ આ રીતે જ યથાવત્ રહ્યું તો આગળના ભવિષ્યમાં પક્ષવાદ થશે અને લોકોનો એના પરથી પણ વિશ્વાસ ઊઠી જશે. આ પ્રકારના નિવેદનથી સંગઠનની વિશ્વસનીયતા પણ ઓછી થઈ જાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે BIMSTECના ગૃહમંત્રીઓની બેઠક અંગે પણ વિગતો આપી હતી. 
તેમણે જણાવ્યું હતું કે ભારતના ગૃહમંત્રીએ આ બેઠકની યજમાની કરી હતી અને તેમાં BIMSTECના તમામ સભ્ય દેશોએ ભાગ લીધો હતો. ચર્ચાઓ અને બેઠકો બાદ 'દિલ્હી ઘોષણાપત્ર' પણ અપનાવવામાં આવ્યું. તેમાં બિમસ્ટેક દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તૈયારી વ્યક્ત કરી હતી. આ વૈશ્વિક સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં આતંકવાદ સામેની લડાઈ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવાના પગલાં અને મની લોન્ડરિંગ સામે સંયુક્ત કાર્યવાહીનો સમાવેશ થાય છે.

લદ્દાખના મુદ્દા પર મહત્ત્વની સ્પષ્ટતા

આ પહેલા જ્યારે ચીને લદ્દાખના કેટલાક પ્રાંતને પોતાના ગણાવીને નામ આપી દીધા હતા એ સમયે પણ વિદેશ મંત્રાલયે ચીનનો રોકડું પરખાવી દીઘું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે ભારતનો અભિન્ન ભાગ છે. કોઈ દેશના કહેવાથી આ હકીકત બદલાઈ જવાની નથી. 
પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લદ્દાખમાં આવેલી કુલ 28 જગ્યાઓની ઓળખ સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નક્શા પર માપદંડ સાથે ઉલ્લેખિત છે. આ કામ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તથા સ્થાનિક હિતધારકો સાથે ચર્ચા વિચારણા બાદ લેવાયો છે.