ભાવનગર: ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનને હોદ્દા પરથી હટાવવાનો હુકમ થતા ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યા માટે તા. 14 ને બુધવારે સવારે 10.30 કલાકે બેંકની મુખ્ય કચેરી ખાતે બાકી રહેલ મુદત માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બેંકના ડિરેક્ટરો દ્વારા બાકી રહેલા કાર્યકાળ માટે બેંકના ચેરમેન તરીકે માજી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તથા વાઈસ ચેરમેન તરીકે અજીતસિંહ ગોહિલને ચૂંટવામાં આવ્યા હતા.
ચૂંટણી યોજાઈ હતી
ડિસ્ટ્રિક્ટ બેંકમાં કુલ 19 ડિરેક્ટરો પૈકી રવજીભાઈ રાજપરાનું અવસાન થતાં 18 ડિરેક્ટર રહ્યા હતા. પરંતુ ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા અને વાઈસ ચેરમેન કાંતિભાઈ ધાંઘલ્યાને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવતા 16 ડિરેક્ટરો પૈકી ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે બુધવારે વરણી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતી કૌભાંડ, સાયબર ફ્રોડ અને ગેરરીતિના આક્ષેપોના પગલે સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી ચેરમેન, વાઈસ ચેરમેન, સીઈઓ અને જીએમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ બેંકમાં નેતૃત્વની ખાલી જગ્યા સર્જાઈ હતી, જેને ભરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
સહકારી ક્ષેત્રમાં સક્રિય ચહેરો
નવા ચેરમેન તરીકે ચૂંટાયેલા કેશુભાઈ નાકરાણી અગાઉ પણ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રના અનુભવી આગેવાન તરીકે ઓળખાય છે. તો વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયેલા અજીતસિંહ ગોહિલ પણ સહકારી ક્ષેત્રમાં સક્રિય છે. બંનેની વરણી બાદ બેંકમાં સ્થિરતા આવશે અને બાકી રહેલા કાર્યકાળમાં બેંકની કામગીરી વધુ પારદર્શક રીતે થશે તેવી આશા સહકારી આગેવાનોમાં વ્યક્ત થઈ રહી છે.ચૂંટણી બાદ નવા હોદ્દેદારોનું ડિરેક્ટરો અને સહકારી આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.