અમદાવાદઃ અમદાવાદમાં અનેક જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે. જેના માટે મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે વિવિધ જગ્યાએ જતા હોય છે. આ દરમિયાન લોકોને ઘરે પહોંચવા માટે કોઈ અગવડતા ના પડે અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં સવારે 06:20 થી રાત્રે 11:00 વાગ્યા સુધી ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ આજે 14 ઓક્ટોબરથી તારીખ 19 ઓક્ટોબર 2026 દરમિયાન મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જેથી ગરબા રમીને મોડી રાત્રે ઘરે પરત ફરતા લોકો માટે સુરક્ષિત અને ઝડપી પરિવહન ઉપલબ્ધ બનશે.
આ સમગ્ર મામલે GMRC દ્વારા એક્સ પર પોસ્ટ કરીન સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી છે. આ લંબાવેલા સમયગાળા દરમિયાન વિવિધ કોરિડોર પર મેટ્રોના સમયપત્રકની વાત કરવામાં આવે તો, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને એ.પી.એમ.સી. થી કોટેશ્વર રોડ વચ્ચે દર 30 મિનિટે મેટ્રો ટ્રેન દોડશે. જેમાં વસ્ત્રાલ ગામથી છેલ્લી મેટ્રો રાત્રે 02:00 વાગ્યે, થલતેજ ગામથી 02:12 વાગ્યે, એ.પી.એમ.સીથી 02:14 વાગ્યે અને કોટેશ્વર રોડથી 02:07 વાગ્યે ઉપડશે. જ્યારે એ.પી.એમ.સી. થી સેક્ટર-૧ વચ્ચે દર 60 મિનિટે સેવાઓ મળશે.
Ahmedabad Metro services extended during Navratri from 14–19 October 2026 https://t.co/4Vx3AQoSpV
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) October 14, 2026
મેટ્રોના આ લંબાવેલા સમય દરમિયાન પ્રવાસ કરવા માટે મુસાફરો માટે ફક્ત રૂપિયા 50 ની 'સ્પેશિયલ પેપર ટિકિટ' જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી મેળવી શકાશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ તરફની મુસાફરી માટે કરી શકાશે. GMRC ના આ નિર્ણયથી નવરાત્રીના દિવસોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને ખેલૈયાઓને મોડી રાત્રે સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળી રહેશે.