મુંબઈ: મધ્ય રેલવેના વ્યસ્ત કલ્યાણ-આસનગાંવ રેલ કોરિડોરની ક્ષમતા વધારવા માટે ચોથી રેલવે લાઇન બનાવવાની યોજના આગળ વધી રહી છે. 32.23 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ માટે થાણે અને શાહપુરના વન વિભાગોની આશરે 6.5 હેક્ટર જંગલ જમીન અન્ય હેતુ માટે વાપરવાની મંજૂરી માગી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ-એક્સપ્રેસ ટ્રેનો અને માલગાડીઓની વધતી અવરજવરને પહોંચી વળવાનો છે.
મધ્ય રેલવે દ્વારા જંગલ જમીનના ઉપયોગ માટે પર્યાવરણ મંત્રાલયના પેરિવેશ પોર્ટલ પર અરજી રજૂ કરવામાં આવી છે. વન સંરક્ષણ અધિનિયમ, 1980માં સુધારા સાથેની જોગવાઈઓ મુજબ જંગલ જમીનનો બિન-વન હેતુ માટે ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની પૂર્વ મંજૂરી જરૂરી છે. તેથી ચોથી લાઈનના નિર્માણ પહેલાં સંબંધિત મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પ્રોજેક્ટના દસ્તાવેજો અનુસાર આ યોજનાનો અંદાજિત ખર્ચ ₹ 1,619.96 કરોડ છે. આ ખર્ચ રેલવે અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. હાલમાં કલ્યાણ-આસનગાંવ વિભાગમાં બે ઇલેક્ટ્રિફાઇડ રેલવે લાઇન કાર્યરત છે, જ્યારે ત્રીજી લાઇનનું કામ પણ ચાલી રહ્યું છે. આ જ ટ્રેક પર ઉપનગરીય લોકલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમજ માલગાડીઓ દોડતી હોવાથી વધારાની ટ્રેનો ચલાવવા અને ટ્રાફિકમાં વિક્ષેપ સર્જાય ત્યારે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલી પડે છે.
મધ્ય રેલવેમાં રેલવે ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમના ભાગરૂપે ચોથી લાઇન બનાવવામાં આવશે. કલ્યાણથી આગળનો રેલવે માર્ગ વધતા ટ્રાફિક માટે અડચણરૂપ બની રહ્યો છે. ખાસ કરીને અંબરનાથથી આગળ ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનો માટે ટ્રેકની મર્યાદા છે, કારણ કે આ કોરિડોરમાં બે લાઇન સુધી સીમિત થઈ જાય છે. નવી લાઇનથી ટ્રેનોની અવરજવરનું આયોજન વધુ સરળ કરવાની સાથે હાલના ટ્રેક પરનું દબાણ ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે.
પ્રસ્તાવિત ચોથી રેલવે લાઇન મોટાભાગે હાલની અને નિર્માણાધીન રેલવે લાઇનોને સમાંતર બનાવવામાં આવશે. આ માટે રેલવેની હાલની જમીન અને રાઇટ ઑફ વેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેથી વધારાની જમીનની જરૂરિયાત ઓછી રહે. આ લાઇનનું એલાઇનમેન્ટ કલ્યાણ, શહાડ, આંબિવલી, ટિટવાલા, ખડવલી, વાસિંદ અને આસનગાંવમાંથી પસાર થશે. આ ઉપરાંત કલ્યાણ, ટિટવાલા, ખડવલી, વાસિંદ અને આસનગાંવના હાલના રેલવે યાર્ડને પણ ચોથી લાઇન સાથે જોડવામાં આવશે.
પ્રોજેક્ટના દસ્તાવેજોમાં જણાવ્યા અનુસાર, ચોથી લાઈનના એલાઈનમેન્ટ હાલના રેલવે કોરિડોરને અનુરૂપ હોવાથી તેને અન્ય સ્થળે ખસેડવું વ્યવહારિક રીતે શક્ય નથી. જો માર્ગમાં ફેરફાર કરવામાં આવે તો વધુ જમીનની જરૂર પડી શકે છે. આ કારણસર થાણે અને શાહપુર વન વિભાગોની આશરે 6.5 હેક્ટર જમીન વાપરવાની જરૂર ઊભી થઈ છે. જોકે, જંગલ જમીનનો ઉપયોગ ઓછામાં ઓછો રહે તે માટે જ્યાં શક્ય બન્યું છે ત્યાં બિન-વન જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સંબંધિત મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા આગળ વધી શકશે.