થાણે: શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યાના કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. જોકે તેમને ક્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, તેની સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં આવી નથી.એસઆઇટીએ મંગળવારે મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદેની આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે બેસાડીને નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. જોકે રાજેન્દ્ર શિંદેએ તેની અને પરિવાર સામે લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
નોંધનીય છે કે થાણેમાં પ્રદીપ પુર્ણેકરની પક્ષના કાર્યાલયની બહાર 29 સપ્ટેમ્બરે ગોળી મારીને તથા ચોપરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. હત્યાના બે દિવસ બાદ પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે ગુનાને અંજામ આપવામાં મીનાક્ષી શિંદે અને તેના પતિ રાજેન્દ્રની સંડોવણી હોવાનો આરોપ કર્યો હતો.
દરમિયાન એસઆઇટીના અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી નિખિલ યાદવ અને નિદેશ પવારની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને બુધવારે સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.આ કેસનો મુખ્ય આરોપી સુભાષ ઉર્ફે પપ્યા શિંદે અદાલતી કસ્ટડીમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ગયા સપ્તાહે ધરપકડ કરાયેલા સંતોષ કનોજિયા અને અમિત સિંહ પલીસ કસ્ટડીમાં છે. (પીટીઆઇ)