Wed Oct 14 2026

Logo

વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી તેમની કીમતી વસ્તુઓ પડાવનારો રીઢો આરોપી ઝડપાયો

2026-10-14 17:37:00
Author: Yogesh D. Patel
વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી તેમની કીમતી વસ્તુઓ પડાવનારો રીઢો આરોપી ઝડપાયો

24 લાખ રૂપિયાના દાગીના જપ્ત: પિતા અને સાથીદાર ફરાર

થાણે: વરિષ્ઠ નાગરિકોને માર્ગમાં આંતર્યા બાદ તેમનું ધ્યાન ભટકાવી તથા ખોટી ઓળખાણ આપી તેમની કીમતી વસ્તુઓ પડાવનારી ટોળકીના સભ્યને થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપી પાસેથી 24.24 લાખ રૂપિયાના દાગીના જપ્ત કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. 

ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દિનેશ બાબુ માંજરેકર (37) તરીકે થઇ હતી, જે નવી મુંબઈના મ્હાપે વિસ્તારનો રહેવાસી છે. દિનેશના પિતા બાબુ ઇરપ્પા માંજરેકર અને સાથીદાર સુદેશ ઉર્ફે બાબુ તાનાજી મહાદે (55) ફરાર હોઇ તેમની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે કહ્યું હતું.

આરોપી દિનેશ માંજરેકર વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. તેમને માર્ગમાં આંતર્યા બાદ જૂની ઓળખાણનો દાવો કરતો હતો અને તેમનું ધ્યાન ભટકાવ્યા બાદ હાથચાલાકીથી કીમતી વસ્તુઓ પડાવી રફુચક્કર થઇ જતો હતો. 

દિનેશ, તેના પિતા બાબુ માંજરેકર અને સાથીદાર વિરુદ્ધ બદલાપુર પોલીસ સ્ટેશનમાં છ ગુના, ઉલ્હાસનગરમાં ચાર અને પનવેલ શહેર પોલીસ તથા કોપરખૈરાણે પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો દાખલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

દિનેશ વિરુદ્ધ સશસ્ત્ર લૂંટ અને ચોરી સહિતના કુલ 29 ગુના દાખલ છે, જેમાં મુંબઈમાં 20, નવી મુંબઈમાં એક, મીરા-ભાયંદરમાં બે અને થાણે શહેરમાં છ ગુનાનો સમાવેશ છે. ઉપરાંત પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ પણ તેની વિરુદ્ધ ગુનો દાખલ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)