Wed Oct 14 2026

Logo

ઓક્ટોબરમાં 'અસહ્ય' ગરમી: વીજળીની માગ 4,300 MBને પાર, નવો 'રેકોર્ડ' નોંધાયો...

2026-10-14 18:54:18
Author: Mumbai Samachar Team
ઓક્ટોબરમાં 'અસહ્ય' ગરમી: વીજળીની માગ 4,300 MBને પાર, નવો 'રેકોર્ડ' નોંધાયો...

મુંબઈ: મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારાને કારણે વીજળી વપરાશમાં મોટો ઉછાળો આવ્યો છે. વિતરણ કંપનીઓ અનુસાર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વીજળીની પીક ડિમાન્ડ 4,000 મેગાવોટથી વધુ રહી છે. ટાટા પાવર અને અદાણી ઇલેક્ટ્રિસિટીના સ્થાનિક ઉત્પાદન સિવાય મુંબઈએ બહારના સ્રોતોમાંથી પણ મોટા પ્રમાણમાં વીજળી મેળવવી પડી રહી છે.

મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં પણ ગરમી અને બફારાના કારણે વીજળીની માગમાં જોરદાર વધારો નોંધાયો છે. પાંચ દિવસથી શહેરમાં વીજળીની પીક ડિમાન્ડ સતત 4,000 મેગાવોટને પાર કરી રહી છે. મંગળવાર 13 ઓક્ટોબરે બપોરે 3:50 વાગ્યે વીજળીની માગ વધીને 4,350 મેગાવોટ નોંધાઈ હતી. વધતી ગરમીના કારણે એર કન્ડિશનર (એસી), પંખા અને અન્ય ઠંડક આપતાં ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે, જેના કારણે વીજળી વિતરણ વ્યવસ્થા પર દબાણ વધ્યું છે.

મળતી માહિતી અનુસાર, સોમવારે પણ બપોરના સમયે મુંબઈમાં વીજળીની મહત્તમ માગ 4,300 મેગાવોટ નોંધાઈ હતી. શનિવાર અને રવિવારે પણ માગ 4,200 મેગાવોટથી ઉપર રહી હતી, જ્યારે શુક્રવારે આ આંકડો વધીને 4,394 મેગાવોટ સુધી પહોંચ્યો હતો. આમ, સતત પાંચ દિવસથી શહેરમાં વીજળીની માગ ઊંચા સ્તરે રહી છે. સામાન્ય રીતે ચોમાસા પછી ઓક્ટોબરમાં ગરમી અને ભેજ વધતાં ઘરો, ઓફિસો તથા વ્યાપારી સંસ્થાઓમાં ઠંડકનાં સાધનોનો ઉપયોગ વધે છે, જે વીજળીના વપરાશમાં વધારો કરે છે.

મંગળવારે ઊંચી માગના સમયે અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા 428 મેગાવોટ અને ટાટા પાવર દ્વારા 1,131 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી. બંને કંપનીઓના સ્થાનિક ઉત્પાદનનો સરવાળો 1,559 મેગાવોટ રહ્યો હતો. તેમ છતાં વધતી માગને પહોંચી વળવા માટે મુંબઈએ શહેરની બહારનાં વીજસ્રોતો અને પાવર એક્સચેન્જમાંથી વધારાની 2,732 મેગાવોટ વીજળી મેળવવી પડી હતી. 

બહારથી વીજળી મેળવવાની આટલી મોટી જરૂરિયાત શહેરની ઊર્જા વ્યવસ્થા સામે ઊભા થયેલા પડકારને દર્શાવે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મંગળવારે રાજ્યની પીક ડિમાન્ડ 33,813 મેગાવોટ નોંધવામાં આવી હતી. આ આંકડો છેલ્લા પાંચ દિવસથી 32,000 મેગાવોટ ઉપર છે. 

આ વર્ષે ઉનાળામાં પણ મુંબઈમાં વીજળીની માગે અગાઉના રેકોર્ડ તોડ્યા હતા. 26 મેના રોજ શહેરમાં વીજળીની મહત્તમ માગ વધીને 4,558 મેગાવોટ થઈ હતી. તે દિવસે ટાટા પાવર અને અદાણી ઇલેક્ટ્રિસિટીએ મળીને 1,499 મેગાવોટ વીજળી પૂરી પાડી હતી, જ્યારે બાકીની 3,059 મેગાવોટ વીજળી શહેરની બહારથી અને પાવર એક્સચેન્જ મારફતે મેળવવામાં આવી હતી. ઓક્ટોબરમાં ફરીથી વીજળીની માગ ઊંચી રહેતાં વીજળીના ઉત્પાદન અને પુરવઠાના આયોજનનું મહત્ત્વ વધી ગયું છે.