Wed Oct 14 2026

Logo

જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ, ઇનામમાં મળ્યા 25,000 રૂપિયાઃ જાણો, ક્યાં બન્યું આવું!

2026-10-14 19:53:20
Author: Ajay Motiwala
જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ, ઇનામમાં મળ્યા 25,000 રૂપિયાઃ જાણો, ક્યાં બન્યું આવું!

રાજકોટઃ ક્રિકેટ ખેલાડીઓ અને એમાં પણ ખાસ કરીને અસંખ્ય ભારતીય ક્રિકેટરો દર વર્ષે આંતરરાષ્ટ્રીય મૅચો તેમ જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સીઝન રમીને તેમ જ એન્ડોર્સમેન્ટના કૉન્ટ્રૅક્ટો દ્વારા કરોડો રૂપિયા કમાતા હોય છે એટલે જો એમાંના કોઈ નામાંતિક ખેલાડીને હજારોના આંકડામાં કોઈ પુરસ્કાર મળે તો ક્રિકેટપ્રેમીઓ માટે નવાઈની વાત કહેવાય.

ટેસ્ટ-ક્રિકેટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર અને ન્યૂ ઝીલૅન્ડના આગામી પ્રવાસ પહેલાં મૅચ-પ્રૅક્ટિસ તરીકે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર વતી રમતા રવીન્દ્ર જાડેજાને બુધવારે છત્તીસગઢ સામે ડ્રૉ ગયેલી મૅચ બાદ મૅન ઑફ ધ મૅચના પુરસ્કાર તરીકે 25,000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો ત્યારે સોશ્યલ મીડિયામાં એ મુદ્દો થોડો ચર્ચાસ્પદ થયો હતો. ભારતની આઇપીએલમાં મૅન ઑફ ધ મૅચ (MOM) પુરસ્કાર વિજેતાને 1,00,000 જેટલી મોટી રકમ અપાય છે ત્યારે રણજી મૅચમાં 25,000 રૂપિયાનું ઇનામ સામાન્ય કહેવાય એવી ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા હતી.

સૌરાષ્ટ્રની ડ્રૉ મૅચમાં જાડેજાનો પર્ફોર્મન્સ

જે કંઈ હોય, પણ જાડેજાએ છત્તીસગઢ સામે અન્ય સાથી ખેલાડીઓ જોડે સૌરાષ્ટ્રને સંગીન સ્થિતિમાં રાખ્યું હતું અને છેવટે એ મૅચ ડ્રૉ (Draw) થઈ હતી. સૌરાષ્ટ્રના 392 રનના જવાબમાં છત્તીસગઢે 312 રન બનાવ્યા અને બીજા દાવમાં મૅચ ડ્રૉ જાહેર થઈ ત્યારે સૌરાષ્ટ્રનો બીજા દાવનો સ્કોર 1/229 ડિક્લેર્ડ હતો. એમાં ચિરાગ જાનીના અણનમ 127 રન અને હાર્વિક દેસાઈના 68 રન હતા. સૌરાષ્ટ્રને પ્રથમ દાવની સરસાઈ બદલ ત્રણ પૉઇન્ટ મળ્યા, જ્યારે છત્તીસગઢને એક જ પૉઇન્ટ મળ્યો.

જાડેજાએ જાડેજા સામે સાટું વાળ્યું

સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં 392 રન બનાવ્યા હતા. એમાં પ્રેરક માંકડના સૌથી વધુ 129 રન અને ચિરાગ જાનીના 83 રન સામેલ હતા, પરંતુ રવીન્દ્ર જાડેજાનો પર્ફોર્મન્સ હટકે હતો. કારણ એ છે તેણે સૌરાષ્ટ્રના જ ભૂતપૂર્વ સાથી-સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા (Jadeja)ના બૉલમાં તેને કૅચ આપતાં પહેલાં 209 બૉલમાં સાત ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા. તે લાંબો સમય ક્રીઝ પર રહ્યો એટલે સૌરાષ્ટ્રની ટીમ 400 રનની નજીક પહોંચી શકી હતી. પછીથી જાડેજાએ બોલિંગમાં પણ પરચો બતાવ્યો હતો. તેણે 40 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. છત્તીસગઢની સાતમી, આઠમી અને નવમી વિકેટ જાડેજાએ અપાવી હતી. તેની ત્રણ વિકેટમાં છત્તીસગઢના સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હતો જેને તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો. બે દિવસ પહેલાં જાડેજાએ સદી પૂરી કરી ત્યાર પછી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રવીન્દ્ર જાડેજાની વિકેટ લીધી હતી એટલે રવીન્દ્ર જાડેજાએ સાટું વાળી લીધું હતું. રણજીની ગઈ સીઝન સુધી જાડેજા અટકવાળા બન્ને સ્પિન-ઑલરાઉન્ડર સૌરાષ્ટ્રની ટીમમાં સાથી ખેલાડી હતા.