Thu Oct 15 2026

Logo

બ્લડ ડોનરને ઘડિયાળ ભેટ આપવા બદલ 3 બ્લડ બેન્કના લાઈસન્સ સસ્પેન્ડ, FDA ની મોટી કાર્યવાહી

2026-10-15 13:11:00
Author: Mumbai Samachar Team
બ્લડ ડોનરને ઘડિયાળ ભેટ આપવા બદલ 3 બ્લડ બેન્કના લાઈસન્સ સસ્પેન્ડ, FDA ની મોટી કાર્યવાહી

મુંબઈ: રક્તદાન શિબિરમાં બ્લડ ડોનર્સને બ્રાન્ડેડ ઘડિયાળ ભેટમાં આપવાના મુદ્દે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મોટી કાર્યવાહી કરી છે. સ્વૈચ્છિક રક્તદાન માટે ભેટ કે અન્ય પ્રલોભન આપવાના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ત્રણ બ્લડ બેન્કનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

આ કાર્યવાહી હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ સેન્ટરનું લાઈસન્સ પાંચ દિવસ માટે, જ્યારે જે.જે. હોસ્પિટલ અને બી.વાય.એલ. નાયર હોસ્પિટલનાં બ્લડ સેન્ટરનું લાઈસન્સ ત્રણ-ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોકે, જે.જે. હોસ્પિટલ અને નાયર હોસ્પિટલનાં બ્લડ સેન્ટરે રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરીને આદેશના અમલ પર વચગાળાની રોક મેળવી છે.

આ સમગ્ર મામલો એપ્રિલ 2026માં મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર યોજાયેલા રક્તદાન શિબિર સાથે જોડાયેલો છે. યંગ સ્ટાર કમિટી દ્વારા આયોજિત આ શિબિરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જે.જે. ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ તથા બી.વાય.એલ. નાયર ચેરિટેબલ હોસ્પિટલનાં બ્લડ સેન્ટર સંકળાયેલાં હતાં.
 
શિબિરના પ્રચાર-પ્રસાર માટેની જાહેરાતોમાં રક્તદાન કરનારાઓને બ્રાન્ડેડ કાંડા ઘડિયાળો ભેટમાં આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબત સામે આવ્યા બાદ રક્તદાનના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (એનબીટીસી)ની સ્વૈચ્છિક રક્તદાન માટેની માર્ગદર્શિકા મુજબ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ કોઈ ભેટ, નાણાં કે અન્ય પ્રકારનું પ્રલોભન આપી શકાય નહીં. રક્તદાનને માનવસેવા અને સામાજિક જવાબદારી સાથે જોડાયેલી સ્વૈચ્છિક પ્રવૃત્તિ તરીકે જાળવી રાખવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે.

એફડીએની તપાસ દરમિયાન શરૂઆતમાં શિબિરના આયોજકો અને તેમાં સામેલ બ્લડ બેન્કોએ ભેટ વિતરણ અંગે જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો. જોકે, અધિકારીઓએ કેટલાક રક્તદાતાઓનો સંપર્ક કરતાં તેમણે ઘડિયાળો મળ્યાની પુષ્ટિ કરી હતી.

એફડીએ એ 22 ઑગસ્ટ, 2026ના ત્રણેય બ્લડ સેન્ટરની તપાસ કરી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બરે સંબંધિત સંસ્થાઓને પોતાનો પક્ષ રજૂ કરવા માટે વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવી હતી. બ્લડ બેન્કો દ્વારા રજૂ કરવામાં આવેલા ખુલાસા સંતોષકારક ન જણાતાં એફડીએ એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945ની સંબંધિત જોગવાઈઓ હેઠળ લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

આ કાર્યવાહીનો સામનો કરી રહેલી ત્રણ સંસ્થાઓમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર, મુંબઈ; ડીન ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જે.જે. ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ બ્લડ સેન્ટર, ભાયખલા; તથા બી.વાય.એલ. નાયર ચેરિટેબલ હોસ્પિટલ બ્લડ સેન્ટર, મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. 

એફડીએના આદેશ મુજબ રેડ ક્રોસ બ્લડ સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બીજી તરફ જે. જે. હોસ્પિટલ અને નાયર હોસ્પિટલનાં બ્લડ સેન્ટર માટે  ત્રણ દિવસની સસ્પેન્શનની કાર્યવાહી નક્કી કરવામાં આવી હતી. બંને હોસ્પિટલોએ તાત્કાલિક અપીલ કર્યા બાદ આદેશના અમલ પર વચગાળાની રોક મેળવી હતી. રેડ ક્રોસ સેન્ટર માટે આવી કોઈ રોક મળ્યાનો ઉલ્લેખ અહેવાલોમાં નથી.

મહારાષ્ટ્ર એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે બ્લડબેંક સામાજિક જવાબદારી અને માનવતાની સેવા સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. રક્તદાન માટે કોઈ પણ પ્રકારની ભેટ કે પ્રલોભનનો ઉપયોગ થવો જોઈએ નહીં અને તમામ બ્લડ સેન્ટરોએ લાગુ પડતા કાયદા તથા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
 
આ મામલે ઘડિયાળો આપનાર યંગ સ્ટાર કમિટી સામે બ્લડ બેન્કોની જેમ લાઈસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી નહોતી, કારણ કે કમિટી પોતે લાઈસન્સધારક કે લાભાર્થી નહોતી. જોકે, ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન કરવા માટે તેને ચેતવણી આપવામાં આવી હતી.