Thu Oct 15 2026

Logo

10 ઓક્ટોબરે CJPને પ્રદર્શન માટે દિલ્હી પોલીસે કેમ મંજૂરી નહોતી આપી? પોલીસ કમિશનરે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?

2026-10-15 12:13:00
Author: Vimal Prajapati
10 ઓક્ટોબરે CJPને પ્રદર્શન માટે દિલ્હી પોલીસે કેમ મંજૂરી નહોતી આપી? પોલીસ કમિશનરે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?

નવી દિલ્હીઃ દિલ્હીમાં જંતર મંતર પર 10 ઓક્ટોબરે સીજેપી દ્વારા પ્રદર્શનની જાહેરા કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા પ્રદર્શન અંગે મંજૂરી આપવામાં આવી નહોતી. આ સંદર્ભે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. પોતાનો બચાવ કરતા દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે જણાવ્યું કે, કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને જાન-માલની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીજેપી દ્વારા પૂર્વમાં જે આંદોલન કરવામાં આવ્યાં હતા, તેમાં હિંસા, સંપત્તિને નુકસાન અને અનેક લોકો ઘાયલ થયા હોવાથી ઘટનાઓ બની હતી.

પહેલાના પ્રદર્શનની સ્થિતિને ધ્યાને રાખતા દેશની રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વખતે સીજેપીને મંજૂરી આપવામાં નહોતી આવી તેવું દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું. 20 જુલાઈએ નીટ પેપર લીક મામલે થયેલા પ્રદર્શનને દાખલો આપી આ વખતે મંજૂરી નથી આપી તેવું જણાવ્યું હતું.

મંજૂરી માટે 20 જુલાઈની ઘટનાને  કેમ ધ્યાનમાં રાખવામાં આવી?

સીજેપી દ્વારા 20 જુલાઈએ જે ‘ચલો સંસદ’ કૂચ કરવામાં આવી હતી, તેને પોલીસે ગેરકાયદે ગણાવી હતી. આરોપ એવો હતો કે, જુલાઈમાં થયેલી કૂચમાં પોલીસકર્મચારીઓ પર હુમલાઓ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન કુલ 240થી પણ વધારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હતાં. આ દાવો કરતા પોલીસે તસવીરો, વીડિયો અને અન્ય માહિતી પણ આપી હતી. પોલીસે કહ્યું કે, સીજેપી દ્વારા પૂર્વમાં પ્રદર્શન માટે મંજૂરી લેતા જે આશ્વાસન આપવામાં આવ્યું હતું, તેનો ભંગ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ સંસદ તરફ કૂચ કરવામાં આવી હતી. 

કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં, પોલીસે 10 ઓક્ટોબરના કાર્યક્રમ માટે પરવાનગી નકારવાના આધાર તરીકે 20 જુલાઈના કથિત અનધિકૃત કૂચનો ઉલ્લેખ કર્યો, અને સાથે જ 6, 7 અને 8 ઓક્ટોબરે થયેલા દેખાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીજેપી દ્વારા વારંવાર કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો પણ પોલીસ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબરે ચૂંટણી પંચની ઓફિસ સુધી કરવામાં આવેલી કૂચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું કે ગુપ્તચર માહિતી અને સ્થળ પરની બદલાતી પરિસ્થિતિ પર આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાં એવા વિસ્તારોમાં લેવામાં આવ્યા હતા જ્યાં BNSS ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ હતા. દિલ્હી પોલીસ એક્ટની કલમ 65નો ઉલ્લેખ કરતા, પોલીસે વિરોધ સ્થળ પરથી વ્યક્તિઓને હટાવવાના પગલાને યોગ્ય ઠેરવ્યું અને સ્પષ્ટ કર્યું કે જેઓએ કાયદેસરની સૂચનાઓનો વિરોધ કર્યો અથવા તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો, તેમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. અટકાયતમાં લેવાયેલા લોકોને થોડા કલાકોમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા;, તેમને લોકઅપ કે જેલમાં રાખવામાં આવ્યા ન હતા, અટકાયત દરમિયાન તેમને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું અને પરિસ્થિતિ સામાન્ય થતાં જ તેમને ત્યાંથી જવાની મંજૂરી આપવામાં આવી હોવાનું પણ દિલ્હી પોલીસે જણાવ્યું હતું. 

રાજકીય નેતાઓ માટે ભોજન, ચા, કોફી અને અન્ય સુવિધાઓ

વિરોધ સ્થળ પરથી હટાવવામાં આવેલા રાજકીય નેતાઓને પોલીસ સ્ટેશનોના ઓફિસ પરિસરમાં રાખવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે પોલીસની આ કાર્યવાહીને સમયસર, પ્રમાણસર અને કાયદા અનુસાર ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ત્વરિત હસ્તક્ષેપને કારણે કાયદો અને વ્યવસ્થાની એક મોટી કટોકટી ટળી ગઈ. વધુમાં, કમિશનરે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે પોલીસ સામે જારી કરવામાં આવેલી અવમાનના નોટિસ પાછી ખેંચી લેવામાં આવે!